ફી પર કેપ, ફાયર NOC ફરજિયાત, નિયમભંગે ₹1 લાખ સુધી દંડ
રાજ્ય સરકાર વિધાનસભા સત્રમાં રજૂ કરશે 'પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ વિધેયક'; રજીસ્ટ્રેશનથી લઈને ફી રિફંડ સુધીના નિયમો થશે લાગુ
ગાંધીનગર: ગુજરાતમાં ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસીસને નિયમન હેઠળ લાવવા માટે રાજ્ય સરકાર મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે. આગામી વિધાનસભા સત્રમાં સરકાર 'પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ વિધેયક' રજૂ કરશે. આ કાયદા દ્વારા કોચિંગ ક્લાસીસની મનમાની પર અંકુશ મૂકવાનો અને વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા કરવાનો મુખ્ય ઉદ્દેશ છે.
મળતી માહિતી મુજબ, આ વિધેયક ફી રેગ્યુલેટરી કમિટીના માળખાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. કાયદા હેઠળ ખાનગી કોચિંગ ક્લાસીસના રજીસ્ટ્રેશન અને લાયસન્સ માટે અલગ ઓથોરિટીની રચના કરવામાં આવશે. નવા નિયમો અનુસાર દરેક કોચિંગ ક્લાસીસે વિદ્યાર્થીઓ, શિક્ષકો (ફેકલ્ટી) અને વસૂલવામાં આવતી ફીની ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. ઉપરાંત, ક્લાસીસ દ્વારા વસૂલવામાં આવતી ફી માટે પણ ચોક્કસ મર્યાદા (ફી કેપ) નક્કી કરવામાં આવશે, જેથી મનફાવે તેવી ફી વસૂલવાની પ્રથાને રોકી શકાય.
વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ જોગવાઈ પણ કરવામાં આવી છે. જો કોઈ વિદ્યાર્થી અભ્યાસક્રમ પૂર્ણ થાય તે પહેલાં કોર્સ છોડી દે તો તેને બાકી રહેલા સમયગાળાના આધારે પ્રો-રેટા ધોરણે ફી પરત આપવી ફરજિયાત રહેશે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા દરેક કોચિંગ ક્લાસ માટે ફાયર NOC ફરજિયાત બનાવાશે. સાથે જ દરેક ક્લાસમાં ઇમરજન્સી એક્ઝિટની સુવિધા હોવી પણ અનિવાર્ય રહેશે. શૈક્ષણિક ગુણવત્તા જળવાઈ રહે તે માટે શિક્ષકો માટે ઓછામાં ઓછી ગ્રેજ્યુએશનની લાયકાત ફરજિયાત કરવામાં આવશે. ઉપરાંત, શિક્ષકો તેમજ નોન-ટિચિંગ સ્ટાફનું પોલીસ વેરિફિકેશન કરાવવું પણ જરૂરી રહેશે.
આ નિયમોનું ઉલ્લંઘન કરનાર કોચિંગ ક્લાસીસ સામે રૂ. 25 હજારથી લઈને રૂ. 1 લાખ સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી રાજ્યભરના ખાનગી કોચિંગ ક્ષેત્રમાં વધુ પારદર્શિતા, જવાબદારી અને વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા સુનિશ્ચિત થશે.
ગુજરાતમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ પર આવશે કડક કાયદો





