MBBS ના નાપાસ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલી પાસ કરાવાઈ હોવાનો આરોપ
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બહુચર્ચિત MBBS ઉત્તરવહી કૌભાંડના મુખ્ય આરોપી ડૉ. કનુભાઈ તેજાભાઈ ચૌધરી (રહે. અલ્હાબાદ, તા. રાધનપુર) ની નિયમિત જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. સેશન્સ જજ પી.એચ. શેઠે ગુનાની ગંભીરતા અને આરોપીની સક્રિય ભૂમિકાને ધ્યાનમાં રાખી જામીન આપવાનો ઇનકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.પાટણ સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, MBBSના પ્રથમ વર્ષમાં નાપાસ થયેલા ત્રણ વિદ્યાર્થીઓની મૂળ ઉત્તરવહીઓ ગાયબ કરી દેવામાં આવી હતી. પરીક્ષા ખંડ સિવાય અન્ય સ્થળે નવી ઉત્તરવહીઓ લખાવી, ખોટી રીતે ગુણ વધારી તેમજ બોગસ રી-એસેસમેન્ટ કાર્ડ બનાવી નાપાસ વિદ્યાર્થીઓને ગેરકાયદેસરરીતે પાસ જાહેર કરાયા હતા.
આ પ્રકરણમાં આરોપીઓએ યુનિવર્સિટી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.તપાસમાં સામે આવ્યું કે, ડૉ. કનુભાઈ ચૌધરીએ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને અન્ય સહ-આરોપીઓ સાથે સંપર્ક કરાવી આપ્યો હતો. તેઓ વિદ્યાર્થીઓને પાટણના સુભાષચોક વિસ્તારમાં લઈ ગયા હતા, જ્યાં તેમને વધારાની પૂરવણીઓ આપી જવાબો લખાવી પરત મેળવી લીધી હતી. આ કૌભાંડ આચરવા બદલ વિદ્યાર્થીઓ પાસેથી આશરે રૂ.50,000 જેટલી રકમ લેવામાં આવી હતી.માર્ચ 2025માં ગુનો નોંધાયા બાદ આરોપી કનુભાઈ ચૌધરી એક વર્ષથી વધુ સમય સુધી ફરાર રહ્યા હતા. પાટણ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે પણ આગોતરા જામીન ન આપતા બે અઠવાડિયામાં સરેન્ડર થવાનો આદેશ કર્યો હતો, જેના પગલે આરોપીએ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારવી પડી હતી.
અદાલતમાં આરોપી તરફથી રજૂઆત કરાઈ હતી કે કેસમાં ચાર્જશીટ થઈ ચૂકી છે અને તપાસ પૂર્ણ થઈ હોવાથી કસ્ટડીની જરૂર નથી. જોકે, સરકારી વકીલ એસ.એચ. ઠક્કરે જામીન અરજીનો સખત વિરોધ કરતા જણાવ્યું હતું કે, આરોપી સામે પૂરતા દસ્તાવેજી પુરાવા મળેલા છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સેશન્સ જજ પી.એચ. શેઠે નોંધ્યું હતું કે, માત્ર ચાર્જશીટ થવાથી સંજોગો બદલાતા નથી.આરોપીની પૂર્વ વર્તણૂક, ગુનામાં તેની મુખ્ય ભૂમિકા અને પુરાવાની ગંભીરતા જોતાં જામીન અરજી નામંજૂર કરવામાં આવે છે.





