રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | થરાદ

થરાદના નાગલામાં પાણીના નિકાલ માટેનો 13.5 કરોડનો ખર્ચ પાણીમાં

થરાદના નાગલામાં પાણીના નિકાલ માટેનો 13.5 કરોડનો ખર્ચ પાણીમાં
10 વર્ષથી દર ચોમાસે ગામમાં પાણી ભરાવાની સમસ્યા, તંત્રને રજૂઆતો છતાં કોઈ નિરાકરણ નહીં થરાદ તાલુકાનું નાગલા ગામ છેલ્લા અઠવાડીયાથી વરસાદી પાણીમાં ગરકાવ થયેલું છે. છેલ્લા દસ વર્ષથી, દર ચોમાસે આ ગામ પાણીમાં ડૂબી જાય છે, પરંતુ તંત્રની વારંવારની રજૂઆતો છતાં કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને હવે તેઓ ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની અને જરૂર પડ્યે હાઈકોર્ટ સુધી જવાની તૈયારી કરી રહ્યા છે.ત્રણ દિવસ પહેલાં સ્થાનિક તંત્રને પણ રજુઆત કરી હતી. નોંધનીય છે કે સરકાર દ્વારા પાણીના નિકાલ માટે કરવામાં આવેલો પ્રોજેક્ટ પણ પુર્ણ નહી થતાં અત્યારે તો જાણે 13.5 કરોડનો ખર્ચ પાણીમાં ગયો છે.થરાદની પાસે આવેલા નાગલા ગામમાં પાણી ભરાવાની આ સમસ્યા 2015-17માં આવેલા વિનાશક પૂર બાદથી વધુ ગંભીર બની છે. નર્મદા કેનાલમાંથી સતત થતા સીપેજ (પાણી ઝમવા) ને કારણે ગામની જમીનનું તળ નબળું પડ્યું છે. સૌથી મોટી સમસ્યા એ છે કે, સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી વરસાદી પાણીના નિકાલની કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી. આ બેદરકારીને કારણે, છેલ્લા દસ વર્ષથી ગામતળ અને આજુબાજુની આશરે 200 હેક્ટર ખેતીલાયક જમીન છ-છ મહિના સુધી જળબંબાકાર રહે છે. ચાલુ વર્ષના વરસાદે તો પરિસ્થિતિને વધુ વિકટ બનાવી દીધી છે. અઠવાડીયા પહેલાં ખાબકેલા વરસાદના કારણે ગામતળ અને તેની આજુબાજુના સિમતળ વિસ્તારમાં પાણી ભરાવાથી આવવા-જવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ સમસ્યાને કારણે ગામની 3000થી વધુની વસ્તી અને તેમનું પશુધન સીધી રીતે પ્રભાવિત થયા છે. ગામમાં આવેલી ડેરી, ગ્રામ પંચાયત અને સહકારી મંડળીની ઇમારતો પણ પાણીમાં ડૂબી ગઈ છે, જેના કારણે દૈનિક કાર્યો અને વ્યવહારો ઠપ્પ થઈ ગયા છે. લોકોને પોતાના ઘરોમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.આ સમસ્યાનો કાયમી નિકાલ થાય તે માટે ગ્રામજનોએ ભૂતકાળમાં અનેક વખત તંત્રને રજૂઆતો કરી છે. જોકે, આ રજૂઆતો છતાં કાયમી પાણી નિકાલની વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી. ગતરોજ પણ ગ્રામ પંચાયતના સરપંચ, પૂર્વ સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ મામલતદાર કચેરી અને ધારાસભ્ય કાર્યાલય ખાતે ફરી એકવાર રજૂઆત કરી હતી.ગામના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ સમસ્યાને ગંભીરતાથી લેવામાં ન આવતા હવે તેઓ ડ્રોન કેમેરા દ્વારા વિડિયો રેકોર્ડિંગ કરીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે. તેમણે ચેતવણી આપી છે કે, જો આ રજૂઆત બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય, તો તેઓ હાઈકોર્ટ સુધી જવાની તૈયારી રાખી રહ્યા છે. પાણી નિકાલ યોજના બેદરકારીને કારણે સમસ્યા હોવાનું જણાવતાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે સૌથી આઘાતજનક બાબત એ છે કે, સાડા તેર કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થયેલ પાણી નિકાલ યોજના પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે અધૂરી રહી ગઈ છે. ગ્રામજનોનું કહેવું છે કે, જો આ યોજના સમયસર પૂરી થઈ હોત, તો આજે તેમને આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડ્યો હોત. બાજુના ડોડગામમાં આવી કાયમી વ્યવસ્થા થઈ ગઈ છે, પરંતુ નાગલા ગામ હજુ પણ તેનાથી વંચિત છે. આથી લોકો કાયમી પાણી નિકાલની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં કરી રહ્યા છે.  
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર