ગુજરાતમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પૂર્વ કચ્છના ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકની હદમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ગાંધીધામથી ભચાઉ તરફ જતા નેશનલ હાઈવે પર પડાણા ગામ નજીક આવેલા મીની પંજાબ હોટલની આગળ વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ વાહનની તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 87 પેટીમાંથી કુલ 4,139 બોટલો મળી આવી હતી.પોલીસે દારૂના જથ્થાની કિંમત રૂ.10,92,696 આંકી છે. આ ઉપરાંત વાહન, મોબાઇલ ફોન અને અન્ય સામાન સહિત કુલ રૂ.19,49,336નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના બાડમેર જિલ્લાના તનસિંહ મુલાસિંહ સોઢાની ધરપકડ કરવામાં આવી હતી. તનસિંહ સોઢા સહિત કુલ ત્રણ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.





