ભીષણ ગૃહયુદ્ધની આગમાં સળગી રહેલા સુદાનમાં સોનાની ખાણ ધસી પડવાથી એક અઠવાડિયામાં બીજી વખત મોટી દુર્ઘટના બની છે. સુદાનના ઉત્તર-પૂર્વીય ભાગના લાલ સમુદ્ર રાજ્યમાં ખાણ ટનલ ધસી પડતા ઓછામાં ઓછા 11 ખાણિયોના મોત થયા છે અને 30 લોકો ઘાયલ થયા છે. કાટમાળમાં ફસાયેલા અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. આના એક અઠવાડિયા પહેલા, પશ્ચિમ સુદાનમાં ખાણ ધસી પડવાથી 82 લોકો માર્યા ગયા હતા.
આ અકસ્માત રવિવારે લાલ સમુદ્ર રાજ્યના એક દૂરના વિસ્તાર ઓનીમાં થયો હતો. સ્થાનિક કાર્યકર અબ્દલહય ખરીફ અબાકરના જણાવ્યા અનુસાર, ખાણ ધરાશાયી થવાની ઘટના શનિવાર રાત્રે શરૂ થઈ હતી. રાજ્યની માલિકીની સુદાનિસ મિનરલ રિસોર્સિસ કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે રવિવાર સુધીમાં 11 મૃતદેહો મળી આવ્યા છે અને 30 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીએ નામ ન આપવાની શરતે વાત કરી કારણ કે તેમને મીડિયા સાથે વાત કરવાનો અધિકાર નહોતો. કંપનીએ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતું નિવેદન બહાર પાડ્યું હતું, પરંતુ મૃતકો અથવા ઘાયલોની સંખ્યા વિશે વિગતો આપી ન હતી.
સુદાનમાં એક અઠવાડિયામાં આ પ્રકારની બીજી મોટી ખાણ દુર્ઘટના છે. એક અઠવાડિયા પહેલા, દેશના પશ્ચિમ ભાગમાં, અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) દ્વારા નિયંત્રિત વિસ્તાર, બીજી સોનાની ખાણમાં ઘણી ટનલ તૂટી પડતાં ઓછામાં ઓછા 82 લોકો માર્યા ગયા હતા.





