ઇટાલીની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીને એક ખાસ ભેટ આપી છે. મેલોનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં પીએમ મોદી મેલોનીને મેલોડી કેન્ડી ભેટ આપતા જોવા મળે છે. મેલોનીએ આ માટે સોશિયલ મીડિયા પર પીએમ મોદીનો આભાર પણ માન્યો છે. પીએમ મોદીની ભેટ વિશે જ્યોર્જિયા મેલોનીએ શું કહ્યું તે જાણો.
પીએમ મોદીની ભેટ સ્વીકાર્યા પછી, ઇટાલીના પીએમ મેલોનીએ તેમનો આભાર માન્યો અને પોસ્ટ કરી, 'તમારી ભેટ બદલ આભાર.'શેર કરેલા વીડિયોમાં પીએમ મોદી સાથે દેખાતા ઇટાલીના વડાપ્રધાન મેલોનીએ કહ્યું, "વડાપ્રધાન મોદી મને ભેટ લાવ્યા છે. ખૂબ જ સ્વાદિષ્ટ કેન્ડી."
નોંધનીય છે કે પીએમ મોદીએ આજે (બુધવારે) સોશિયલ મીડિયા પર જ્યોર્જિયા મેલોની સાથેના ફોટા પણ શેર કર્યા હતા. તેમણે લખ્યું, "રોમ પહોંચ્યા પછી, મને રાત્રિભોજન માટે પ્રધાનમંત્રી મેલોનીને મળવાની તક મળી, ત્યારબાદ અમે પ્રતિષ્ઠિત કોલોસિયમની મુલાકાત લીધી. અમે અનેક વિષયો પર અમારા મંતવ્યો શેર કર્યા. હું આજે અમારી વાતચીત માટે આતુર છું, જેમાં અમે ભારત-ઇટાલી મિત્રતાને વધુ મજબૂત બનાવવાની રીતો પર ચર્ચા કરવાનું ચાલુ રાખીશું."





