પાટણ શહેરમાં રખડતા કુતરાઓને પકડીને તેમનું ખસીકરણ કરી, યોગ્ય સારવાર આપીને જ છૂટા મૂકવામાં આવશે
પાટણ શહેરમાં રખડતા શ્વાનની વસ્તી પર નિયંત્રણ લાવવા અને હડકવા મુક્ત શહેર બનાવવા માટે નગર પાલિકા દ્વારા આયોજિત રૂ.254.2 લાખના મેગા પ્રોજેક્ટ અંગે પાલિકા પ્રશાસને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ આગળ વધવાની જાહેરાત કરી છે.ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ પ્રોજેક્ટના અમલીકરણ અને તેની કાયદાકીય પ્રક્રિયા અંગે મહત્વની વિગતો આપતાં જણાવ્યું છે કે, આ સમગ્ર કામગીરી સર્વોચ્ચ અદાલતના નિયમોને આધીન રહીને જ કરવામાં આવશે.સામાન્ય સભામાં મંજૂરી મળ્યા બાદ હવે વહીવટી તંત્ર સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન (ABC રૂલ્સ) નું ચુસ્તપણે પાલન કરીને શહેરમાં વ્યવસ્થિત રીતે આ ડ્રાઇવ શરૂ કરવા જઈ રહ્યું છે,જેથી પશુ ક્રૂરતા નિવારણ ધારાનો ભંગ ન થાય અને સમસ્યાનો વૈજ્ઞાનિક ઉકેલ લાવી શકાય.
પાટણ શહેરમાં રખડતા કુતરાઓને પકડીને તેમનું ખસીકરણ કરી, યોગ્ય સારવાર આપીને જ છૂટા મૂકવામાં આવશે.આ વૈજ્ઞાનિક પ્રક્રિયાના કારણે પાટણ શહેરની અંદર કુતરાઓની વસ્તી પર લાંબા ગાળે ચોક્કસ અને અસરકારક નિયંત્રણ આવશે.તેવું પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરએ જણાવ્યું હતું.ચીફ ઓફિસર હિરલ ઠાકરે સ્પષ્ટ કર્યું હતું કે, એનિમલ બર્થ કન્ટ્રોલ (ABC) પ્રોગ્રામ એ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ ચલાવવામાં આવે છે. નિયમ મુજબ શ્વાનોને શહેરના જે-તે વિસ્તાર માંથી માત્ર ઓપરેશન અને રસીકરણ માટે જ લાવવામાં આવશે.શહેરમાંથી પકડાયેલા રખડતા કુતરાઓને પાલિકાના ખાસ સેન્ટર પર લાવીને નિષ્ણાતો દ્વારા તેમનું ખસીકરણ (Sterilization) કરવામાં આવશે. ઓપરેશન બાદ તેમને યોગ્ય સારવાર, દવાઓ અને હડકવા વિરોધી રસી આપવામાં આવશે.શ્વાન સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય અને ઓપરેશનના ઘા રુઝાઈ જાય તે પછી સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર તેમને જે વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા,તે જ જગ્યાએ સુરક્ષિત રીતે પરત છોડી દેવામાં આવશે.





