માંગ નહીં સંતોષાય તો ગૌશાળાઓ સરકાર હસ્તક કરવાની ચીમકી
બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના ગૌશાળા-પાંજરાપોળ ફેડરેશનની ચિંતન બેઠક લાખણી તાલુકાના ગેળા ગામે આવેલી જય બજરંગ ગૌશાળા ખાતે યોજાઈ હતી. ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ નહિવત રહેતા અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઈ છે. વરસાદના અભાવે ઘાસચારાનો પાક નાશ પામ્યો છે અને બજારમાં ઘાસચારાના ભાવમાં પણ વધારો થયો છે. પરિણામે ગૌશાળા અને પાંજરાપોળોમાં આશ્રિત અબોલ જીવોના નિભાવની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી બંને તાત્કાલિક અસરથી અછતગ્રસ્ત જાહેર કરી ગૌશાળા- પાંજરાપોળોને સરકારી ધોરણે ઘાસચારાની વ્યવસ્થા કરી આપવા બેઠકમાં માંગ કરવામાં આવી હતી.
વરસાદના અભાવે ઘાસચારો ઉપલબ્ધ ન રહેતા ગૌશાળાઓને મળતું દાન પણ ઘટી ગયું છે. બીજી તરફ સરકાર દ્વારા ગૌશાળાઓને પશુદીઠ રૂ.30ની સહાય આપવામાં આવે છે, પરંતુ હાલના વધેલા ઘાસચારાના ભાવ સામે આ સહાય અપૂરતી હોવાની સંચાલકોએ રજૂઆત કરી હતી. ઘાસચારો ખરીદીને લાવવાનો ખર્ચ પણ પોષાતો ન હોવાથી ગૌશાળાઓ માટે અબોલ જીવોનું ભરણપોષણ મુશ્કેલ બન્યું છે. તેથી સરકાર સહાયની રકમમાં વધારો કરે અથવા ગૌશાળા-પાંજરાપોળોને પૂરતો ઘાસચારો ઉપલબ્ધ કરાવે તેવી માંગ કરવામાં આવી હતી. બેઠકમાં નક્કી કરાયું કે પ્રથમ તબક્કે રાજ્ય સરકાર સુધી આ ગંભીર સ્થિતિ પહોંચાડવા સ્થાનિક નેતાઓને રજૂઆત કરવામાં આવશે. જેમાં વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ તેમજ થરાદના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રૂબરૂ રજૂઆત કરી બંને જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા તથા તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરવા સરકાર સમક્ષ ભલામણ કરવા માંગ કરાશે.
ફેડરેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આગળની રણનીતિ ઘડવામાં આવશે. જરૂર પડે તો ગૌશાળા- પાંજરાપોળો સરકાર હસ્તક કરવામાં આવે તેવી ચીમકી પણ બેઠકમાં ઉચ્ચારવામાં આવી હતી. આ ઉપરાંત ‘ગૌમાતા રાષ્ટ્રમાતા’ અભિયાનના ત્રીજા ચરણ અંતર્ગત આગામી 17 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરવા જવાનો નિર્ણય લેવાયો હતો અને મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે આહવાન કરાયું હતું.
બેઠકમાં અંકિતપુરીજી બાપુ મઢ, સુંદરનાથજી બાપજી, ચેકરા ગૌશાળાના ભરતપુરીજી બાપજી, જુનાડીસા ગૌશાળાના જયંતીલાલ દોશી, દિયોદર પાંજરાપોળના રામભાઈ રાજપૂત, ગો સાંસદ વાવ-થરાદ તથા બનાસકાંઠા જિલ્લા દુદાજી પટેલ, ગો વિધાયક થરાદ, ગોવિંદભાઈ રાજપૂત સહિત વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા-પાંજરાપોળના સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





