બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ડીસા નજીક મુડેઠા ગામ પાસે નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 37થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો, જોકે એક બસના ચાલકને ઈજા પહોંચી હતી.
રતનપુરાથી ખોડલા સુધી નેશનલ હાઈવે 27 પર રોડના નવીનીકરણના કામને કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. ડીસાથી આવી રહેલી એક બસ આગળ જઈ રહી હતી. પાછળથી આવી રહેલી અન્ય એક બસના ચાલકે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો અને સાઈડ મારી હતી. આ સમયે પાછળ આવી રહેલા ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા ટ્રેલરે વચ્ચે જઈ રહેલી બસને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે વચ્ચેની બસના ચાલકે પણ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો. અને તેણે આગળ જઈ રહેલી બસને અથડાવી હતી. આમ, ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
પ્રથમ બસ પાલનપુરથી દિયોદર થઈને ભાભર જઈ રહી હતી, જેમાં 12થી વધુ મુસાફરો સવાર હતા. પાછળની બસ પાલનપુરથી ભુજ અને ત્યારબાદ માંડવી જઈ રહી હતી, જેમાં 25થી વધુ મુસાફરો હતા. કુલ 37થી વધુ મુસાફરો આ અકસ્માતમાં સામેલ હતા.વચ્ચેની બસના ચાલકને પગના ભાગે ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.અકસ્માતને કારણે એક તરફના માર્ગ પર લગભગ 30 મિનિટ સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. ક્રેનની મદદથી બસ અને ટ્રેલરને રસ્તા પરથી હટાવીને માર્ગ ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.





