રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ધાનેરા

ધાનેરાના આશિયા ગામમાં જળ સંચયના નામે લાખો રૂપિયાનો ધુવાડો

ધાનેરાના આશિયા ગામમાં જળ સંચયના નામે લાખો રૂપિયાનો ધુવાડો

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના આશિયા ગામમાં ચોમાસાની ઋતુ પૂર્વે તળાવ ઊંડા કરવાના નામે મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. જળ સંચયના ભગીરથ કાર્યના નામે સરકારી અને જુદી જુદી સંસ્થાઓના લાખો રૂપિયાનો ધુવાડો કરાતા સમગ્ર પંથકના જાગૃત નાગરિકોમાં વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આશિયા ગામના નાગરિકોએ હવે તળાવ અને માટી માફિયાઓ સામે મોર્ચો માંડીને વ્યાપક ગેરરીતિઓનો ભાંડો ફોડ્યો છે.ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આશિયા ગામમાં એકસાથે બે અલગ-અલગ યોજનાઓ હેઠળ તળાવ ઊંડા કરવા લાખો રૂપિયાના કામો મંજૂર કરાયા હતા. જેમાં પ્રથમ, સરકારની 'સુજલામ સુફલામ યોજના' અંતર્ગત લોક ભાગીદારી સાથે કુલ રૂ. ૮,૬૮,૦૦૦ ની માતબર રકમ મંજૂર થઈ હતી. આ કામગીરી હેઠળ કોન્ટ્રેક્ટર એજન્સી દ્વારા માત્ર દેખાવ પૂરતી જ તળાવની પાળ નજીક મશીનરીઓ ગોઠવવામાં આવી હતી. એજન્સીએ માત્ર ૧૫ જ દિવસમાં તળાવ ઊંડું કરી દીધું હોવાના પોકળ દાવાઓ કરીને રાતોરાત પોતાનો વીંટો વાળી ત્યાંથી રવાના થઈ ગઈ હતી. વાસ્તવમાં તળાવ બિલકુલ ઊંડું કરાયું નથી, માત્ર આજુબાજુ પાળ બાંધીને ગ્રાન્ટ સગેવગે કરવાનો ગામના જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ, જે તળાવ અગાઉથી જ કુદરતી રીતે ઊંડું હતું, તેની આસપાસ માત્ર જેસીબી ફેરવીને નવું કામ થયું હોવાનો દાવો કરાયો છે. આ સરકારી નાણાંનો ખુલ્લેઆમ દુરુપયોગ છે.
આ જ ગામના અન્ય એક 'પાડોળ' તળાવને ઊંડું કરવા માટે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના ભંડોળમાંથી રૂ. ૨ લાખ અને મિત્તલબેન પટેલની સંસ્થા દ્વારા રૂ. ૪ લાખ મળી કુલ રૂ. ૬ લાખનું આયોજન કરવામાં આવ્યું હતું. નિયમ મુજબ આ કામગીરી ઓછામાં ઓછી એક મહિનાથી વધુ ચાલવી જોઈતી હતી, પરંતુ ચતુર કોન્ટ્રેક્ટરે માત્ર ૧૫ દિવસમાં જ આખું કામ પૂરું બતાવી દીધું હતું. ગ્રામજનોના આક્ષેપ મુજબ મુખ્ય એજન્સીએ પેટા કોન્ટ્રેક્ટ આપીને ભારે લોલંલોલ ચલાવ્યું છે. આ બાબતે ગામના સરપંચ પણ અજાણ હોવાનું અને તેમને પૂરતી માહિતી જ ન અપાઈ હોવાનું સામે આવ્યું છે.
કોન્ટ્રેક્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓની કથિત મિલીભગત સામે સ્થાનિક અગ્રણી ડાયાભાઈ સહિતના જાગૃત નાગરિકોએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. ગ્રામજનોએ માંગ કરી છે કે માટી તેમજ તળાવના નામે ચાલતા આ ગોરખધંધાની તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટ એજન્સી સામે કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે જિલ્લા પ્રશાસન આ માટી માફિયાઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે કેવા આકરા પગલાં ભરે છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Dhanera

સંબંધિત સમાચાર