૬૭ તોલા સોનું ઊંચા ભાવે વેચી હિસાબ ન આપતાં યુવકે પાલનપુરમાં ઝેર ગટગટાવ્યું
ડીસામાં સોનાના દાગીના ગિરવે મુકી વ્યાજે નાણાં મેળવ્યા બાદ વ્યાજખોરી અને વિશ્વાસઘાતનો ભોગ બનેલા પરિણિત યુવકે કંટાળીને પાલનપુર ખાતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. ગંભીર હાલતમાં યુવકને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અંગે ભોગ બનનારની પત્નીએ ડીસાના સોની વેપારી સામે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની વિગત મુજબ, ડીસાની નંદનવન સોસાયટીમાં રહેતા અને ખેતી-વેપાર સાથે સંકળાયેલા રોહિતભાઈ મનુભાઈ માળી અને તેમના પત્ની નિલમબેનને એક વર્ષ અગાઉ જમીન લે-વેચના ધંધા માટે નાણાંની જરૂર ઊભી થઈ હતી. જેથી તેમણે પોતાના ઘરના આશરે ૬૭ તોલા સોનાના દાગીના ડીસાના અંબાજી માતાના મંદિર સામે સોની બજારમાં રહેતા તેમના મિત્ર અને વેપારી ચેતનભાઈ વનાજી સોની પાસે ગિરવે મૂકવાનું નક્કી કર્યું હતું. ચેતન સોનીએ ૬૭ તોલા દાગીના સામે ૧ ટકા વ્યાજે રૂ. ૪૩,૦૦,૦૦૦ નું ધીરાણ કર્યું હતું.દર મહિને નિયમિત વ્યાજ ચૂકવ્યા બાદ ચાર મહિના પછી ચેતન સોનીએ મુડી પરત ન મળ્યાનું બહાનું બતાવી વ્યાજનો દર પરાણે વધારીને ૨.૫ (અઢી) ટકા કરી દીધો હતો. રાજસ્થાનના શિરોહી ખાતે ખરીદેલી જમીનનું વેચાણ ન થતાં મજબૂરીવશ પરિવારે દર મહિને અઢી ટકા લેખે વ્યાજ ચુકવવાનું ચાલુ રાખ્યું હતું.
ત્રણ મહિના અગાઉ સોનાના ભાવ વધતાં રોહિતભાઈ અને તેમના પત્નીએ ચેતન સોનીને ૬૭ તોલા સોનું ઊંચી કિંમતે વેચી, પોતાના રૂ. ૪૩ લાખ કાપી બાકીની રકમ હિસાબ કરીને પરત આપવા જણાવ્યું હતું. જેથી ચેતન સોનીએ તે સમયે ઊંચા ભાવે સોનું વેચી દીધું હતું. જોકે, દાગીના વેચાઈ ગયા પછી પણ સોની વેપારીએ હિસાબ આપવાનું બંધ કરી દીધું હતું અને ગિરવે મૂક્યા તે દિવસના જૂના ભાવ પ્રમાણે પૈસા આપવાની દાદાગીરી કરી વિશ્વાસઘાત કર્યો હતો.
સોની વેપારીની ઉઘરાણી અને માનસિક ત્રાસથી કંટાળીને આજે બપોરે એકાદ વાગ્યાના સુમારે રોહિતભાઈ માળીએ પાલનપુર સવેરા હોટલ નજીક ઝેરી દવા પી લીધી હતી. હાલ તેમની પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલે પત્ની નિલમબેન માળીએ અઢી ટકા વ્યાજ વસૂલી, સોનું ઊંચા ભાવે વેચીને હિસાબ કે વળતર ન આપી વિશ્વાસઘાત કરનાર ચેતન વનાજી સોની વિરુદ્ધ કાયદેસરની તપાસ અર્થે પોલીસ ફરિયાદ નોંધાવી છે.





