કચેરીના કોમ્પ્યુટર, AC અને પ્રિન્ટરો સહિતનો સરકારી સમાન સીલ.
મહેસાણા જિલ્લાના ધરોઈ સિંચાઈ યોજના હેઠળ જમીન સંપાદન વળતરમા મામલે વિવાદ વધ્યો
વિજાપુરના જંત્રાલ અને બીલીયા ગામના પીડિત ખેડૂતો દ્વારા કપાત જમીનના વળતર બાબતે કોર્ટમાં ઘા નાખી હતી જેના સંદર્ભે વિજાપુર અને ખેરાલુ કોર્ટ દ્વારા કાર્યપાલક ઈજનેરની કચેરીની મિલકતો જપ્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
ધરોઈ સિંચાઈ યોજના માટે વર્ષો પહેલા વિજાપુર તાલુકાના ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી હતી. જમીન ગુમાવનાર ખેડૂતોને મળવાપાત્ર વળતર બાબતે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. જંત્રાલ અને બીલીયા ગામના ખેડૂતોએ વધુ વળતર મેળવવા માટે કાયદાકીય લડત લડવાનો નિર્ણય કર્યો અને વિજાપુર સિવિલ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. અદાલતે ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપતા કરોડો રૂપિયાનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. આમ છતાં, સરકારી તંત્ર દ્વારા આ રકમ ચૂકવવામાં આનાકાની અને વિલંબ કરવામાં આવતા આખરે કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. જેમાં કોર્ટે મુખ્યત્વે બે કિસ્સાઓમાં કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. જેમાં મુખ્યત્વે
વિજાપુરના જંત્રાલ અને બીલીયા ગામના પીડિત ખેડૂત પટેલ ભરતભાઈ ચીમનલાલના કેસમાં કુલ રૂ. 1,55,60,490નું હુકમનામું થયું હતું. જેમાંથી બાકી નીકળતી રૂ.54,21,233ની રકમ ન ભરાતા જંગમ મિલકત જપ્ત કરવાનો હુકમ કરાયો હતો. જ્યારે જંત્રાલના પટેલ ડાહ્યાભાઇ ચતુરભાઇના કેસમાં રૂ.1,24,12,647નું હુકમનામું થયું હતું. જેમાંથી બાકી નીકળતી રૂ.94,66,374ની રકમ વસૂલવા વોરંટ ઇસ્યુ કરાયું હતું.
જ્યારે વારંવારની નોટિસ છતાં ધરોઈ વિભાગ દ્વારા રકમ જમા કરાવવામાં ન આવી, ત્યારે ખેરાલુના પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજ આર.વી. સોનીની કોર્ટ દ્વારા વોરંટ કાઢવામાં આવ્યું હતું. આ વોરંટના આધારે ધરોઈ ખાતે આવેલી કાર્યપાલક ઈજનેરની કચેરીમાં કોર્ટના પ્રતિનિધિઓ ત્રાટક્યા હતા. કચેરીમાં ઉપયોગમાં લેવાતા કોમ્પ્યુટર, પ્રિન્ટર, એસી (AC) સહિતનો તમામ સરકારી સામાન સીલ કરી દેવામાં આવ્યો હતો. આ કાર્યવાહીને પગલે કચેરીના સ્ટાફમાં અને સ્થાનિક વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ ઘટના એ બાબતની સાબિતી છે કે લોકશાહીમાં ન્યાયતંત્ર સર્વોપરી છે. ખેડૂતો પોતાની કિંમતી જમીન રાષ્ટ્રહિતમાં આપે ત્યારે તેમને સમયસર અને યોગ્ય વળતર મળવું તેમનો અધિકાર છે. સરકારી બાબુઓની નિષ્ક્રિયતાને કારણે આજે સરકારી મિલકતો જપ્ત થવાની નોબત આવી છે. ધરોઈ સિંચાઈ વિભાગ માટે આ સ્થિતિ અત્યંત શરમજનક છે. જો હજુ પણ ખેડૂતોને તેમના હકના નાણાં નહીં મળે, તો આગામી સમયમાં તંત્રને વધુ કાનૂની ભીંસનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ, વર્ષોની લડત બાદ ખેડૂતોમાં ન્યાય મળવાની આશા જીવંત થઈ છે.





