સાવરકર પર પ્રશ્ન પૂછવા બદલ સસ્પેન્શન રદ કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માંગ
કેરળની એક શાળાના શિક્ષક ગુરુ પ્રસાદને ક્વિઝ સ્પર્ધામાં વિનાયક દામોદર સાવરકરના જીવન અને વિચારો અંગે પ્રશ્ન પૂછવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટનાના વિરોધમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. મહાસંઘે શિક્ષકનું સસ્પેન્શન રદ કરીને તેમને સન્માન પૂર્વક ફરજ પર પુનઃસ્થાપિત કરવા અને શૈક્ષણિક સ્વતંત્રતા જાળવી રાખવાની માંગ કરી છે.
આ આવેદનપત્ર સુપરત કરતી વખતે કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના વિવિધ સંવર્ગના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. મહાસંઘે તેમના આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય આંદોલનના વિચારક અને ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકર વિશે શૈક્ષણિક ચર્ચા કરવી એ લોકશાહી અને શૈક્ષણિક સ્વતંત્રતાનો અભિન્ન અંગ છે.મહાસંઘે કેરળ સરકાર, રાજ્યપાલ અને શિક્ષણ વિભાગને આ મામલે તુરંત હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. વધુમાં, શાળાઓમાં ઐતિહાસિક વિષયો પર ભયમુક્ત ચર્ચા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવા અને શિક્ષકો વિરુદ્ધદમનકારી પગલાં ભરવાને બદલે સંવાદ દ્વારા ઉકેલ લાવવા પણ રજૂઆત કરવામાં આવી હતી.





