સૂર્યદેવ અને છઠી મૈયાની આરાધનાના મહાપર્વ 'છઠ પૂજા'ની આજે સમગ્ર વડોદરા શહેરમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. શહેરમાં વસતા બિહારી, પૂર્વાંચલ અને ઉત્તર ભારતીય સમાજ માટે વિશેષ ધાર્મિક મહત્વ ધરાવતા આ પર્વને લઈને વડોદરાના વિવિધ જળાશયો અને નદી કાંઠાના ઘાટો પર ભક્તિમય માહોલ છવાયો છે, અને આજે તથા આવતીકાલે એમ બે દિવસ દરમિયાન શહેરભરમાંથી ૩ લાખથી વધુ શ્રદ્ધાળુઓ વિવિધ ઘાટો પર ઉમટી પડશે.
આયોજક સમિતિઓના જણાવ્યા મુજબ, પૂર્વાંચલ લોકહિત મંડળ દ્વારા સંચાલિત મુખ્ય 4 થી 5 ઘાટો પર જ આશરે દોઢ લાખ જેટલા ભાવિકો એકત્ર થશે, જ્યાં શહેરના બાપોદ તળાવને આ મહોત્સવનું મુખ્ય મથક બનાવવામાં આવ્યું છે અને અસ્તાચલગામી તથા ઉદયમાન સૂર્યને અર્ધ્ય અર્પણ કરવાની સાથે ૨૪ કલાક અખંડ રામધૂન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ ઉપરાંત, કમલાનગર તળાવ ખાતે પૂર્વાંચલ હિત રક્ષક સમિતિ દ્વારા કરાયેલા આયોજનમાં અંદાજે ૧૦ હજાર શ્રદ્ધાળુઓ જોડાશે, જ્યારે બીજી તરફ બિહાર સાંસ્કૃતિક મંડળ દ્વારા મહીસાગર નદીના તટે કોટના બીચ ખાતે અત્યાર સુધીનો સૌથી વિશાળ અસ્થાયી છઠ ઘાટ તૈયાર કરાયો છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ એકસાથે સૂર્યદેવની ઉપાસના કરી રહ્યા છે.





