પ્રજાની સુખાકારી માટે ફાળવેલ કિંમતી સાધનો કાટમાળમાં ફેરવાયા; સરકાર દ્વારા પ્રજાની સુખાકારી માટે લાખો રૂપિયાના ખર્ચે ઉપલબ્ધ કરાવાતી સાધન સામગ્રી સરકારી કર્મચારીઓની બેદરકારીને કારણે બિનઉપયોગી બની રહી હોવાનો આઘાતજનક કિસ્સો ડીસામાં સામે આવ્યો છે. ડીસા મામલતદાર કચેરીની અગાસી પર લાખો રૂપિયાના સરકારી સાધનો વરસાદ અને તડકામાં ધૂળ ખાઈ રહ્યા છે, જે સરકારી તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મામલતદાર કચેરીની અગાસીમાં કોરોનાકાળ દરમિયાન સરકાર દ્વારા ટેમ્પરેચર માપવા માટે ફાળવવામાં આવેલી થર્મલ ગન, હેન્ડ ગ્લોવ્ઝ અને ફેસ માસ્ક જેવી કીટ પેટીપેક હાલતમાં ખુલ્લામાં પડી છે. આમાંથી મોટાભાગની કીટ તો સીલબંધ છે અને તેના કવર પણ ખોલવામાં આવ્યા નથી. લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ફાળવવામાં આવેલી આ કીટ્સનો ઉપયોગ થયો ન હોવાથી તેનો હેતુ માર્યો ગયો છે.
આ ઉપરાંત, કોમ્પ્યુટરના સાધનો જેવા કે પ્રિન્ટર, મોનીટર, સીપીયુ, કીબોર્ડ, અને હાર્ડ ડિસ્ક જેવી ચીજવસ્તુઓ પણ રિપેરિંગ કરાવવાની જગ્યાએ ખુલ્લામાં ફેંકી દેવામાં આવી છે. વરસાદ અને ગરમીના કારણે આ લાખો રૂપિયાની સાધનસામગ્રી સંપૂર્ણપણે બિનઉપયોગી બની ગઈ છે. જો સમયસર આ સાધનોનું સમારકામ કરવામાં આવ્યું હોત, તો સરકારના હજારો રૂપિયા બચી શક્યા હોત.
સરકાર દ્વારા નાગરિકોની સુવિધા માટે ફાળવવામાં આવેલા આ સાધનો લોકો સુધી પહોંચી શક્યા નથી અને સરકારી કર્મચારીઓની બેદરકારીના કારણે પ્રજાના ટેક્સના રૂપિયા વેડફાઈ રહ્યા છે. આ ઘટના સરકારી તંત્રની નિષ્ક્રિયતા અને જવાબદારીના અભાવને ઉજાગર કરે છે. પ્રજાના પૈસાનો આ રીતે વ્યય થતો અટકાવવા માટે સરકારે અને તંત્રે ગંભીરતાથી ધ્યાન આપવું અત્યંત જરૂરી છે.


