(જી.એન.એસ) તા. 12
ગાંધીનગર,
ભારતીય વિચાર મંચ, ગાંધીનગર કેન્દ્ર દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સેક્ટર 23 ખાતે સુપ્રીમ કોર્ટના પ્રતિષ્ઠિત અધિવક્તા તેમજ રાષ્ટ્ર જાગરણ અભિયાનના રાષ્ટ્રીય સંયોજક શ્રીમતી સુબુહી ખાન દ્વારા “સંવિધાન અને સમાનતા” વિષય ઉપર વિચાર ગોષ્ઠિનું આયોજન થયું, કાર્યક્રમના પ્રારંભમાં પશ્ચિમ ક્ષેત્રના સહસંયોજક ઇશાનભાઇ જોશી દ્વારા વક્તાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
શ્રીમતી સુબુહી ખાન એ તેમના વ્યાખ્યાનની શરૂઆતમાં બંધારણના આમુખને સમૂહમાં બોલાવ્યું હતું. તેઓ પોતાને સનાતની મુસ્લિમ તરીકે ઓળખાવે છે. તેમણે જણાવ્યું હતું કે આપણા દેશની એકતા, એક સૂત્રતા જાળવવાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણું બંધારણ છે. જો આપણા બંધારણનું પૂર્ણ રીતે તમામ લોકો પાલન કરે તો દેશ ખુબ આગળ વધી શકે તેમ છે. બંધારણની અંદર ધર્મ નિરપેક્ષની જગ્યાએ પંથ, સંપ્રદાય તેમજ લઘુમતી જેવા શબ્દો ને વ્યાખ્યાયિત કરવાની જરૂર વિશે વાત કરી હતી. તેમણે બંધારણના અધિકારો અને ફરજોનો વિશેષ કરીને ઉલ્લેખ કર્યો હતો. તેમણે 370 આર્ટીકલ, બંધારણમાં સમાનતા – સમતા, કાનૂન વ્યવસ્થાને ધ્યાને લઈને કયા પ્રકારના કાર્ય કરી શકાય એ મુદ્દે વિસ્તૃત જણાવ્યું હતું.
આપણા દેશમાં ધાર્મિક રીતે આટલી બહોળી વસ્તી ધરાવતા લોકોને લઘુમતીનો દરરજો આપવા પાછળ અલગાવવાદનો વિકાસ કરવાનો મલીન ઉદ્દેશ રહેલો જણાય છે. લઘુમતીને લઈને રાજકારણમાં કઈ રીતે દરેક પક્ષ તેનો ફાયદો ઉઠાવે છે તેવું પણ જણાવ્યું હતું. આઝાદી પહેલા ભારતની અંદર અંગ્રેજો દ્વારા કેવી રીતે રેડિકલ ઇસ્લામનો પગ પેસારો થયો તેમજ આઝાદી બાદ ભારત સરકાર દ્વારા કયા કયા અલગ અલગ કાયદાઓ લાવવામાં આવ્યા તેની કાલક્રમિક ઘટનાઓ વિશે વાત કરી હતી. આ ઘટનાઓનો તેમણે ઉલ્લેખ કરતા 1937 શરિયા એક્ટ, 1941 હિન્દુ કોડ બિલ, 1955 છુટાછેડા, બહુ લગ્ન, જેવી વિવિધ સત્ય ઘટનાઓ તેમજ ઉદાહરણ દ્વારા જણાવ્યું હતું. તેમણે ખાસ ઉલ્લેખ એ પણ કર્યો હતો કે જે તે સમયે દેશ – કાળ – પરિસ્થિતિ પ્રમાણે કોઈ નિયમ તથા પ્રથા બની હોઈ શકે પરંતુ સમય જતા પરિસ્થિતિ પ્રમાણે તેનો બદલાવ જરૂરી હોય છે અને આવા બદલાવ હિન્દુ ધર્મમાં જોવા મળે છે અને તેઓ તેમને સ્વીકારે પણ છે. તેમણે ભારતનું વિભાજન તાત્કાલિક રીતે નથી થયું, પરંતુ કાલક્રમિક ઘટનાઓ 1857, 1867 મુસ્લિમોને અલગ શિક્ષણ, 1875 અલીગઢ યુનિવર્સિટી, 1905 બંગાળ વિભાજન, 1926 તબલીઘી જમાત, 1940 લાહોર ડિક્લેરેશન જેવી અનેક નાની – મોટી ઘટનાઓમાં બીજ રોપાયા હતા.
મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જેવા માધ્યમો થકી કહેવાતા મુસ્લિમ નેતાઓએ પોતાના વ્યક્તિગત લાભ માટે વ્યવસ્થાના દુરુપયોગ તેમજ તમામ પ્રશ્નોનું મૂળ શરિયા એક્ટમાં છે તેવું તેમણે જણાવ્યું હતું. જેનું પરિણામ ટુ – નેશન થીયરી ના સ્વરૂમમાં આપણા દેશે ભોગવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે મહિલાનો સમાજની અંદર વિશેષ આદર, મનુષ્ય અને પ્રકૃતિ તેમજ મનુષ્ય જીવનનો અંતિમ ઉદેશ્ય સંદર્ભે પાંચ સિદ્ધાંત રજૂ કર્યા હતા તેમજ હિંદુત્વને સરળ શબ્દોમાં રજૂ કર્યું હતું. ત્યારબાદ શ્રોતાઓ દ્વારા પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, જેમના જવાબ વક્તા દ્વારા સંતોષપૂર્વક વિસ્તૃત આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે કેન્દ્રના મંત્રી અભિષેક બારડ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન સહમંત્રી અજયભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 85 પ્રબુધ્ધજનો ઉપસ્થિત રહ્યા હતા.
Source link






