ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમમાંથી બહાર થયા બાદ પહેલીવાર પોતાના મનની વાત જાહેર કરી છે. 2026ના T20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવ્યા બાદ તરત જ ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસ માટે ટીમમાંથી બહાર કરવામાં આવતા સૂર્યકુમાર માટે આ નિર્ણય મોટો આઘાત હતો. પસંદગીકારોના નિર્ણય બાદ તેમણે લગભગ દોઢ મહિના સુધી આ અંગે વિચાર કર્યો હતો.
સૂર્યકુમારે જુલાઈ 2024માં ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. તેમના નેતૃત્વ હેઠળ ભારતે એક પણ T20 શ્રેણી ગુમાવી નહોતી. આ સમયગાળા દરમિયાન ટીમે એશિયા કપ અને T20 વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં સફળતા મેળવી હતી. તેમ છતાં વર્લ્ડ કપ બાદ પસંદગીકારોએ ટીમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો અને શ્રેયસ ઐયરને નવા કેપ્ટન તરીકે જવાબદારી સોંપવામાં આવી. ટીમની જાહેરાત વખતે પોતાનું નામ ન હોવાની જાણ થતાં સૂર્યકુમારે શરૂઆતમાં આ નિર્ણયને સ્મિત સાથે સ્વીકારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અંદરથી તેઓ નિરાશ થયા હતા. તેમણે જણાવ્યું કે તેમના મનમાં વારંવાર એક જ સવાલ ઉઠતો હતો કે, “આ કેવી રીતે થઈ શકે?” બે વર્ષમાં ટીમે એક પણ T20 શ્રેણી ન ગુમાવી હોય અને વર્લ્ડ કપ તથા એશિયા કપ જીત્યા હોય ત્યારે અચાનક ફેરફાર શા માટે કરવામાં આવ્યો, તે પ્રશ્ન તેમને સતત સતાવતો રહ્યો.
સૂર્યકુમારે જણાવ્યું કે ટીમમાંથી બહાર થયા બાદ તેઓ લગભગ દોઢ મહિના સુધી ઘરે રહ્યા. શરૂઆતમાં પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરીને તેમણે પરિસ્થિતિ સ્વીકારવાનો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે પરિવાર અને મિત્રો પોતપોતાના કામે પરત જતા અને તેઓ એકલા રહેતા, ત્યારે તેમના મનમાં આ નિર્ણયને લઈને અનેક વિચારો ચાલતા હતા. તેમણે એમ પણ ખુલાસો કર્યો કે પસંદગી સમિતિએ ટીમની સત્તાવાર જાહેરાતના બે-ત્રણ દિવસ પહેલાં જ તેમનો સંપર્ક કર્યો હતો. પસંદગીકારોએ તેમને જણાવ્યું હતું કે હવે આગળ વધવાનો સમય આવી ગયો છે અને ઇંગ્લેન્ડ શ્રેણી માટે તેમનો સમાવેશ કરવામાં આવશે નહીં.
સૂર્યકુમારે કહ્યું કે પસંદગીકારોનો નિર્ણય પોતાનો નહોતો, તેથી તેમણે તેના પર કોઈ ટિપ્પણી કરી નહોતી. ટીમના હિતમાં પસંદગીકારોએ જે યોગ્ય લાગ્યું તે નિર્ણય લીધો હોવાનું તેમણે સ્વીકાર્યું. જોકે, આ નિર્ણયને સ્વીકારવામાં તેમને સમય લાગ્યો હતો. હવે સૂર્યકુમાર યાદવ ફરી ભારતીય ટીમમાં વાપસી માટે સખત મહેનત કરી રહ્યા છે. ટીમમાંથી બહાર થવાનો આઘાત તેમણે પોતાની મહેનતનું કારણ બનાવ્યો છે અને આગામી સમયમાં ફરી ટીમમાં સ્થાન મેળવવા માટે તેઓ તૈયારીઓ કરી રહ્યા છે.





