હિંમતનગર બી ડીવીઝન પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા બે મહિનાથી ફરાર આરોપી રવિ જયંતિભાઈ ઠાકોરને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળતા મહેતાપુરા જકાતનાકા પાસેથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઇન્ચાર્જ પીઆઈ એમ.ડી. ચૌહાણ અને પોલીસ સ્ટાફના માણસો હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી રવિ ઠાકોર મહેતાપુરા જકાતનાકા પાસે ઊભો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી રવિ ઠાકોર (રહે. ગાયત્રી મંદિર પાછળ ઝૂંપડામાં, કલોલ શહેર, તા. કલોલ, જિ. ગાંધીનગર) ને પકડી પાડ્યો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

