ભારતના લોખંડી પુરુષ અને સ્વતંત્ર ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી. આ અવસરે હિંમતનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘રન ફોર યુનિટી’નું આયોજન કરાયું હતું. આ દોડનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાના સંદેશને વધુ મજબૂત બનાવવાનો હતો.
આ ‘રન ફોર યુનિટી’ને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, સાંસદ શોભનાબેન બારૈયા સહિતના મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ દોડ હિંમત હાઈસ્કૂલ ટાવર ચોકથી શરૂ થઈને જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી યોજાઈ હતી. સમાપ્તિ બાદ મહિલા અને પુરુષ વર્ગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને નાગરિકોએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવી રાખવા તેમજ રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનું સ્મરણ કરી દ્રઢ સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમમાં હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, પ્રાંત અધિકારી વિમલ ચૌધરી, રમતગમત અધિકારી સહિત પોલીસ જવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

