દુકાન ઉપર જથ્થો મળ્યા બાદ ગુણવત્તા અને સ્ટોક બાબતે તકેદારી સમિતિના સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશન લેવા અંગેનો 15 ઓક્ટોબરનો ઠરાવ રદ કરવો, કમિશનમાં પ્રતિ કિલો રૂ.3 અને મિનિમમ ગેરંટેડ કમિશનની રકમ વધારીને રૂ.30 હજાર કરવું સહિતની 20 જેટલી પડતર માગણીઓને લઈ રાજ્યભરના સસ્તા અનાજની દુકાનોના સંચાલકો આજેથી (1 નવેમ્બર) હડતાળ પર ઉતર્યા છે. મહેસાણા જિલ્લાના ફેરપ્રાઈઝ એસોસિએશન પણ આજથી અનાજ વિતરણ વ્યવસ્થાથી દૂર રહી હડતાળ પર જશે, જેને લઈ જિલ્લાના સરકારી અનાજ મેળવતા અંદાજે 12 લાખ લોકોને અસર થશે. મહેસાણા જિલ્લાના 670થી વધુ રાશન ડિલરો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરતા જિલ્લાના 2.96 લાખ કાર્ડધારકોને સસ્તુ અનાજ નહિ મળે.

