ડીસાના વડલી ફાર્મ ખાતે થી ફટાકડાનું ગોડાઉન ઝડપાયું; ૨૭ લાખનો મુદ્દામાલ કબજે

ડીસાના વડલી ફાર્મ ખાતે થી ફટાકડાનું ગોડાઉન ઝડપાયું; ૨૭ લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે કુલ રૂપિયા ૨૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો; ડીસા શહેરમાં થોડા સમય પહેલા જીઆઈડીસી નજીક થયેલા ભયાનક ફટાકડા બ્લાસ્ટની ઘટના બાદ પણ કેટલાક લોકો ગેરકાયદેસર રીતે ફટાકડાનો વેપાર કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ડીસા તાલુકા પોલીસે બાતમીના આધારે વડલી ફાર્મ રોડ પર એક ગોડાઉનમાં તપાસ કરતા ફટાકડાનો ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગોડાઉનમાંથી આશરે રૂ.૨૭લાખની કિંમતના ફટાકડાનો મોટો જથ્થો કબજે કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા તાલુકા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસની ટીમે વડલી ફાર્મ રોડ પર આવેલા એક ગોડાઉન પર અચાનક દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન પોલીસને ગોડાઉનની અંદર થી મોટી સંખ્યામાં ફટાકડાના બોકસ મળી આવ્યા હતા. આ સ્થળેથી ગણતરી કરતા આશરે ૩૦૦ કાર્ટૂન ફટાકડા મળી આવ્યા છે. જેમાં અંદાજે ૬૫૦ જેટલા નાના પેકેટનો સમાવેશ થાય છે. પોલીસે તાત્કાલિક આ તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો જેની અંદાજિત કિ.રૂ.૨૭ લાખ જેટલી થાય છે. પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરીને કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડીસા જીઆઈડીસી નજીક થયેલા બ્લાસ્ટ કાંડ બાદ તમામ ફટાકડાના ગોડાઉનના પરવાના રદ કરી દેવામાં આવ્યા હતા. તેમ છતાં આ ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો ભરેલો હતો. પોલીસે ગોડાઉનના સંચાલકો મુકેશ નારણભાઈ ઠક્કર, નિલેશ ભાગચંદ ગુરનાની અને ભૂપતજી શંકરજી ઠાકોરની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે.

પોલીસ હાલમાં એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ગોડાઉનમાં કેટલો સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી. આ ફટાકડાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેઓ આ ફટાકડા કઈ રીતે અને ક્યાં વેચતા હતા. પૂછપરછ બાદ ડીસા રૂરલ પોલીસ આ મામલે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે ડીસાના ફટાકડાના ગોડાઉનમાં થયેલા ભયાનક બ્લાસ્ટ કાંડની તપાસ હજુ ચાલી રહી છે અને આ ઘટનામાં સંડોવાયેલા લોકો સામે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આ નવા ગેરકાયદેસર ગોડાઉનનો પર્દાફાશ થવાથી પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *