મહેસાણા જિલ્લામાં પુષ્પાવતી નદી પર રૂપિયા 76 કરોડના ખર્ચે 13 ચેકડેમ બનાવવાની યોજનાને રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આજે વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી.મંત્રીએ સૌ પ્રથમ ડેડીયાસણ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ત્યારબાદ વીરતા ખાતે નવાપુરા-કંથરાવીની પાઇપલાઇન કામગીરી અને ખરસડા ખાતે સિંચાઈ વિભાગના ચેકડેમની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓને કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી.સુજલામ સુફલામ વર્તુળ 2 મહેસાણા હેઠળની વિભાગીય કચેરી નહેર વિભાગ નંબર 3 વિસનગર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
પુષ્પાવતી નદી પર વિવિધ સ્થળોએ ચેકડેમ બનાવવામાં આવશે. જેમાં મોટી હિરવાણી ખાતે 40 મીટર લંબાઈનો 296 લાખના ખર્ચે, મછાવા ખાતે 60 મીટર લંબાઈનો 444 લાખના ખર્ચે, અને ઉપેરા ખાતે 70 મીટર લંબાઈનો 518 લાખના ખર્ચે ચેકડેમ સામેલ છે.આ ઉપરાંત ઐઠોર ખાતે 100 મીટર લંબાઈનો 740 લાખના ખર્ચે, ખરસદા અને દવાડા ખાતે 80-80 મીટર લંબાઈના 592-592 લાખના ખર્ચે, ધીણોજ ખાતે 70 મીટર લંબાઈનો 518 લાખના ખર્ચે ચેકડેમ બનશે. મહેરવાડા ખાતે 80 મીટર લંબાઈનો 592 લાખના ખર્ચે, ગાંભુ ખાતે 100 મીટર લંબાઈનો 740 લાખના ખર્ચે, અને ટાકોડી ખાતે 70 મીટર લંબાઈનો 518 લાખના ખર્ચે ચેકડેમ નિર્માણ થશે.

