મહેસાણાના વડનગર ખાતે સ્વાસ્થ્ય, સંસ્કૃતિ અને ઐતિહાસિક ધરોહરનો અનોખો ત્રિવેણી સંગમ યોજાયો

મહેસાણાના વડનગર ખાતે સ્વાસ્થ્ય, સંસ્કૃતિ અને ઐતિહાસિક ધરોહરનો અનોખો ત્રિવેણી સંગમ યોજાયો

વડનગર ખાતે ગત તા. ૧૭મી મે ના રોજ સાંસ્કૃતિક શનિવારના વિશેષ કાર્યક્રમની ઉર્જાસભર શરૂઆત થઈ, જેમાં સ્વાસ્થ્ય, સંસ્કૃતિ અને ઐતિહાસિક ધરોહરનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત, હાટકેશ્વર મંદિરના પવિત્ર પ્રાંગણમાં ૪૦ મહિલાઓએ યોગના માધ્યમથી સ્વસ્થ જીવનનો મંત્ર ગુંજાવ્યો હતો. આ યોગ સત્રમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને આધ્યાત્મિક વાતાવરણમાં તંદુરસ્તીની મહત્વતાને સમજાવી હતી.

શક્તિના કેન્દ્ર સમાન ગૌરીકુંડના રમણીય સ્થળે પણ યોગની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં પ્રકૃતિના ખોળે શાંતિ અને શક્તિનો અદ્ભુત સમન્વય અનુભવાયો હતો. કુદરતી સૌંદર્ય વચ્ચે યોજાયેલા આ યોગ સત્રે સહભાગીઓને નવી ઉર્જા અને શાંતિ પ્રદાન કરી હતી.

ઐતિહાસિક નગરી વડનગરની હેરિટેજ વોકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ હેરિટેજ વોક દરમિયાન સહભાગીઓએ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી, જુના પારંપરિક ઘરની મુલાકાત લીધી અને સાથે જ જળસંચયની પૌરાણિક ટાંકા પધ્ધતિ વિશે જાણ્યું હતું. આ પ્રવૃત્તિ દ્વારા શહેરની ભવ્યતા અને સમૃદ્ધ વારસાને નજીકથી જાણવાનો અને માણવાનો મોકો મળ્યો હતો. આ ઉપરાંત, સહભાગીઓએ વડનગરના મ્યુઝિયમની પણ મુલાકાત લીધી, જ્યાં શહેરના ઇતિહાસ અને સંસ્કૃતિને લગતી દુર્લભ વસ્તુઓ નિહાળી હતી.

આ સાથે, યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભરતનાટ્યમ અને લોકગીતની સુંદર પ્રસ્તુતિઓએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કલાકારોએ પોતાની કલા દ્વારા વડનગરની સાંસ્કૃતિક ધરોહરને જીવંત કરી અને સૌને આનંદિત કર્યા હતા. આ કાર્યક્રમ વડનગરની ઓળખને વધુ મજબૂત બનાવવામાં અને સ્થાનિક લોકો તેમજ મુલાકાતીઓને શહેરની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસથી પરિચિત કરાવવામાં સફળ રહ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *