રાજ્યના નાગરિકોને અવરજવરમાં કોઈ અડચણ ન આવે અને તેઓને સલામત, સરળ અને ઝડપી મુસાફરી સુલભ બને તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અને બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ કાર્ય ચાલી રહ્યું છે.
માર્ગ અને મકાન વિભાગ, પાલનપુર હસ્તકના પેટા વિભાગ પાલનપુર દ્વારા ઓડીઆર કક્ષાના સિલાસણા-છીંદીવાડી રોડ ઉપર વરસાદના પગલે પાઈપ નાળાનું ધોવાણ થવાથી માર્ગ બંધ થયો હતો. જેના કારણે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાગરિકોને અવરજવરમાં ભારે મુશ્કેલી ઊભી થઈ હતી. બનાસકાંઠા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે માર્ગને ફરીથી ચાલુ કરવાની કામગીરી આરંભી છે. આ કામગીરીને ટૂંક સમયમાં પૂર્ણ કરાશે.

