ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટકાંડમાં સીટનો રીપોર્ટ ૨ મહિના પછી પણ અધ્ધરતાલ

ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટકાંડમાં સીટનો રીપોર્ટ ૨ મહિના પછી પણ અધ્ધરતાલ

બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક ઢૂવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં ગત ૧ એપ્રિલે થયેલા હૃદયદ્રાવક બ્લાસ્ટને આજે બે મહિના પૂરા થયા છે, જેમાં ૨૩ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ગંભીર ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે તાત્કાલિક ૨ એપ્રિલે એક વિશેષ તપાસ ટીમ (સીટ) ની રચના કરી હતી. જોકે, સીટ દ્વારા પંદર દિવસમાં રિપોર્ટ સુપરત કરવાની સૂચના હોવા છતાં, બે મહિના વીતી ગયા હોવા છતાં પણ રિપોર્ટ જાહેર થયો નથી. સીટની રચના અને તપાસ મહેસૂલ વિભાગના આઇએએસ સચિવ ભાવિન પંડયાને સીટના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની સાથે નાયબ પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલા, ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર એચ.પી. સંઘવી અને માર્ગ અને મકાન વિભાગના ઈજનેર જે.એ.ગાંધીનો પણ સીટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

સીટની ટીમે ૩ એપ્રિલે ડીસામાં દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર બ્લાસ્ટની ઘટના વિશે માહિતી મેળવી હતી. આ ઘટનાના પીડિતો ન્યાય મેળવવા માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી ચૂક્યા છે, તેમ છતાં સીટનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. રાજ્ય સરકારે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સીટની રચના કરી હતી અને વહેલી તકે રિપોર્ટ સુપરત કરવાનું જણાવ્યું હતું, પરંતુ સમયમર્યાદા વીતી ગયા બાદ પણ રિપોર્ટ અધ્ધરતાલ રહેતા અનેક સવાલો ઉભા થયા છે. હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે અને પીડિતોને ક્યારે ન્યાય મળે છે ? તે જોવું રહ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *