સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી ખોરાક અને ઔષધ નિયંત્રણ વિભાગ દ્વારા માર્ચ, મે અને જુલાઈ માસ દરમિયાન લેવાયેલ સેમ્પલ પૈકી 7 સેમ્પલનો રિપોર્ટ ભેળસેળ હોવા અંગેનો આવ્યો છે. જેમાં મેસુ કાઉ ઘીના તમામ નમૂનામાં આયોડિનની માત્રા વધુ આવવા સહિત ધાણાજીરું અને મરચાના સેમ્પલમાં પેસ્ટીસાઈડ હોવાનું બહાર આવ્યું છે.
ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર બી.એમ. ગણાવાએ વિગત આપતાં જણાવ્યું કે બાયડના દહેગામ રોડ પર આવેલ માધવ મસાલા નામની દુકાનમાંથી ધાણાજીરું અને ધનસુરાના અયોધ્યાનગરમાં આવેલ ઓમ ટ્રેડર્સમાંથી ચીલી પાવડરના સેમ્પલ લેવાયા હતા. જેમાં પેસ્ટીસાઈડ હોવાનું બહાર આવ્યું છે જ્યારે ભિલોડા તાલુકાના મહેમૂદ સફી અબ્દુલ રસુલ મુતવલીની દુકાનમાંથી લીધેલ મગ મોગર દાળમાં ભેજનું પ્રમાણ વધુ આવ્યું હતું. ઇડર તાલુકાના ગોરલમાં આવેલ અત્રિ આઈસ્ક્રીમમાંથી લીધેલ માવા મલાઈ કૂલ્ફીના સેમ્પલમાં મિલ્ક ફેટ ઓછા આવ્યા હતા.
ભિલોડાની અસાલ જીઆઇડીસીમાં બાપા શ્રી ડેરી પ્રોડક્ટસ પ્રાઇવેટ લિમિટેડમાંથી મેસુ કાઉ ઘીના 15 કિલો, 1 લિટર અને 500 એમએલના લીધેલ ત્રણેય સેમ્પલમાં આયોડિનની માત્રા વધુ મળી આવી હતી. 7 સેમ્પલનો ભેળસેળ વાળો રિપોર્ટ આવતાં તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.

