દૂષિત પાણી આજુબાજુના ખેતરો ફરી વળવાની સાથે કેનાલ પરની રોયલ હોમ્સના મકાનોમાં તિરાડો પડી
સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહિ આવે તો રહીશો અને ખેડૂતો તંત્ર સામે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરે તેવી સંભાવના
વસ્ત્રાસર કેનાલમાં લાંબા સમયથી પડી રહેલા ભંગાણને કારણે દુષિત પાણી આજુબાજુના ખેડૂતો ના ખેતરમાં ફરી વળ્યાં છે તો કેનાલ પરની રોયલ હોમ્સ સોસાયટીના રહીશોના મકાનોમાં તિરાડો પડતાં મોટું નુકશાન ભોગવવાની સાથે રહિશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.કેનાલમાંથી ગટરનું દૂષિત પાણી આસપાસના ખેતરોમાં ભરાઈ ગયું છે, જેનાથી ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. આ દૂષિત પાણીને કારણે સોસાયટીના મકાનોમાં તિરાડો પડી રહી છે અને ઘરો બેસી જવાનો ભય ઊભો થયો છે.દૂષિત પાણી ભરાવાને કારણે વિસ્તારમાં ઝેરી જીવ
જંતુઓનો ઉપદ્રવ વધ્યો છે, જે હવે લોકોના ઘરો તરફ વળી રહ્યા છે. સોસાયટીની જમીનમાં સતત ભેજ રહેવાથી રહેણાંક મકાનોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ઘણા મકાનોની દીવાલોમાં તિરાડો પડવાની શરૂઆત થઈ ચૂકી છે.આવ વિસ્તારના રહીશ એ જણાવ્યું કે કેનાલમાં ઘણા સમયથી ગાબડું પડ્યું છે. આ દૂષિત પાણીના કારણે બાળકો બીમાર પડી રહ્યા છે અને ગંદકીમાં રહેવું મુશ્કેલ બન્યું છે. સિંચાઈની કેનાલમાં ભંગાણથી ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે.આ ગંભીર સમસ્યા અંગે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં, આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દૂષિત પાણીના નિકાલ માટે પણ કોઈ વ્યવસ્થા કરાઈ નથી. રહીશો છેલ્લા 12 મહિનાથી સિંચાઈ વિભાગ, કલેક્ટર અને ચીફ ઓફિસરને રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ કોઈ સાંભળતું નથી.
તેઓ કેનાલનું ગાબડું પૂરવા અને પાળો બનાવવાની માંગ કરી રહ્યા છે.રહીશો તંત્રની બેદરકારીથી ભારે રોષે ભરાયા છે અને પોતાના જીવ તથા માલ-મિલકત ની સલામતી અંગે ચિંતિત છે.ત્યારે ભાજપ સરકાર પર પણ લોકો પ્રશ્ન ઉઠાવી કહી રહ્યા છે કે ભાજપ વિકાસના કામ કરવાનો દાવો કરે છે, પરંતુ આ સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવતું. જો સમસ્યાનુ તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહિ આવે તો આ વિસ્તારના ખેડૂતો અને રહિશો તંત્ર સામે ગાંધી ચિધ્યા માર્ગ પર આંદોલન કરવાના મૂડમાં હોવાનું પણ જાણવા મળ્યું છે.

