આગામી ભાદરવી પૂનમ મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે સલામત મુસાફરીની સુવિધા મળી રહેશે
રાજ્યના નાગરિકોને અવરજવરમાં કોઈ અડચણ ન આવે અને તેઓને સલામત, સરળ અને ઝડપી મુસાફરી સુલભ બને તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અને બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ કાર્ય ચાલી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ બનાસકાંઠા હસ્તકના દાંતા-સનાલી-હડાદ રોડ પર કિમી ૦/૦૦ થી ૩૩/૮૦૦ વચ્ચે પેચ વર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી માર્ગ અને મકાન વિભાગના તાંત્રિક અધિકારીઓની દેખરેખ હેઠળ શરૂ કરાઈ છે.
રસ્તા સુધારણાથી આગામી ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીના ભાગરૂપે યાત્રાળુઓને સરળ મુસાફરી બની રહેશે. આ પેચ વર્ક પૂર્ણ થતા દાંતા થી હડાદ વચ્ચેનો માર્ગ વધુ સારો અને અવરજવર માટે યોગ્ય બનશે તથા યાત્રાળુઓ અને સ્થાનિક લોકોને રાહત મળશે.

