પાટણ સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામમાં રસ્તા પરનો કીચડ હટાવવાના મુદ્દે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગામના સરપંચ જીવણ સવાભાઈ આહીર સહિત 14 વ્યક્તિઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ અનુસૂચિત જાતિના ખેત મજૂર મુળજીભાઈ દાનાભાઈ રણમલભાઈ ધવલે (ઉ.વ. 43) સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સરપંચ જીવણભાઈ JCB મશીનથી રસ્તા પરનો કીચડ હટાવી રહ્યા હતા. ફરિયાદીના ભાઈ માદેવભાઈએ તેમના ઘર આગળના શોષ ખાડાથી દુર JCB ચલાવવાનું કહેતા સરપંચ ઉશ્કેરાયા હતા.
સરપંચે ફરિયાદીને જાતિ વિષયક અપશબ્દો કહી મારવાનું શરૂ કર્યું હતું. આ સમયે કિશનભાઈ જીવણભાઈ આહીર, ભચાભાઈ ઉર્ફે ભપ્પો પાતાભાઈ આહીર સહિત આહીર સમાજના અન્ય લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તમામે ગેરકાયદેસર મંડળી રચી, ફરિયાદી અને સાક્ષીઓને જાતિ વિષયક અપશબ્દો કહ્યા હતા. લાકડા અને ગડદાપાટુથી મારપીટ કરી ઈજાઓ પહોંચાડી હતી. આ બાબતે સાંતલપુર પોલીસે IPC-2023ની વિવિધ કલમો, એટ્રોસિટી એક્ટ અને જી.પી.એક્ટ હેઠળ સરપંચ સહિત સાત વયકિતના નામ જોગ અને સાત અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

