પોલીસ કાર્યવાહીથી અસામાજીક તત્વો ફફડી ઉઠ્યા; ગુજરાત રાજ્ય પોલીસ વડા અને ગૃહમંત્રીના આદેશ બાદ રાજ્યભરમાં અસામાજિક તત્વો, બુટલેગરો, માથાભારે શખ્સો, જમીન માફિયાઓ, ખનીજ માફિયાઓ અને વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં પણ અસામાજિક તત્વો સામે પોલીસ સક્રિય થઈ છે.
જેમાં ડીસામાં નટવરજી દજુજી ઠાકોર ઉર્ફે ચકો ઠાકોર નામના શખ્સના ઘરે પોલીસે દરોડો પાડ્યો હતો. ચકા ઠાકોર સામે દારૂ, જુગાર, મારામારી, લૂંટ સહિત અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસને બાતમી મળી હતી કે તેના ઘરમાં હથિયારોનો મોટો જથ્થો છુપાવેલો છે. આ બાતમીના આધારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને ડીસા ડીવાયએસપી સી.એલ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ.ચૌધરી અને તેમની ટીમે તેના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસની રેડ દરમિયાન ચકા ઠાકોરના ઘરમાંથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા હતા. જેમાં સંખ્યાબદ્ધ તલવારો, પાઈપો, બરછી,પાઇપ, ધોકા,ચેન સહિતના હથિયારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પોલીસે એક ડાયરી અને અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.
ચકા ઠાકોર સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. તાજેતરમાં જ તેની સામે મારામારીના બે કેસ નોંધાયા હતા. આ ઘટના બાદ ચકો ઠાકોર અને તેના સાગરીતો ફરાર થઈ ગયા હતા. પોલીસ હાલમાં તેમની શોધખોળ કરી રહી છે. આ ઘટનાએ ડીસા શહેરમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસનું કહેવું છે કે અસામાજિક તત્વો સામેની કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.nઆ ઘટનામાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.