સાબરકાંઠા એલસીબી પોલીસે હિંમતનગરના પોલીટેકનિક ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતી સ્વિફ્ટ કાર પકડી પાડી છે. પોલીસે કુલ 7 લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. બાતમીના આધારે એલસીબીની ટીમે પોલીટેકનિક ચાર રસ્તે નાકાબંધી કરી હતી. રાજસ્થાનના રતનપુરથી શામળાજી-રાયગઢ-ગાંભોઈ થઈને ચિલોડા તરફ જતી સ્વિફ્ટ કાર અને પાયલોટિંગ કરતી ઈકો કારને રોકી તપાસ કરી હતી. સ્વિફ્ટ કારમાંથી 62,270 રૂપિયાની કિંમતની 289 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.
પોલીસે 4 લાખની સ્વિફ્ટ કાર, 2 લાખની ઈકો કાર અને 40 હજારની કિંમતના ત્રણ મોબાઈલ મળી કુલ 7,02,270 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં જયપાલસિંહ ઉર્ફ કાળુભા જાડેજા (સ્વિફ્ટ ચાલક), જયરાજસિંહ જાડેજા અને જયપાલસિંહ ઝાલા (બંને ઈકો કારમાં પાયલોટિંગ)નો સમાવેશ થાય છે. દારૂ સપ્લાય કરનાર રતનપુરના પંડિત અને અમદાવાદના છારાનગરના ગંગાબેન (માલ મંગાવનાર) હજુ ફરાર છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.