જિલ્લામાં સૌથી વધુ વરસાદ સિધ્ધપુરમાં ખાબક્યો : નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં
કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિધ્ધપુર શહેર તેમજ તાલુકાના વરસાદગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસ્યો છે. પાટણ જિલ્લાના 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સિદ્ધપુરમાં સૌથી વધુ 7 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો જયારે પાટણમાં ત્રણ થી ચાર ઇંચ, સરસ્વતી તાલુકામાં દોઢ થી બે ઇંચ જેટલો ખાબક્યો હોવાનું જાણવા મળ્યું છે. ગતરાત્રે થી વરસી રહેલા મેઘરાજા ને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સજૉવા પામી હતી. પાટણ શહેરમાં આનંદ સરોવર, પારેવા સર્કલ અને ટેલીફોન એક્સચેન્જ રોડ, પદ્મનાભ મંદિર માગૅ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાથી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
તો શહેરના આનંદ સરોવરની કેનાલમાં કોઈએ પાળો તોડાવી દીધેલ હોવાથી આનંદ સરોવરમાં કેનાલનું પાણી રિવર્સ આવતું હોવાથી આજુબાજુની સોસાયટી ના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા જેની જાણ સોસાયટીના રહીશોએ પાલિકા પ્રમુખ ને કરતાં તેઓ પાલિકાની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે જેસીબી ની મદદથી પાળો કરાવી અને પંપિંગ ચાલુ કરાવી સોસાયટી ના ઘરોમાં ભરાયેલા પાણીનો નિકાલ કરાવ્યો હતો. જોકે લોકોમાં પાલિકા તંત્ર દ્વારા ઘડવામાં આવેલો પ્રી-મોનસુન પ્લાન સામાન્ય વરસાદમાં જ નિષ્ફળ ગયો હોવાનો ગણગણાટ સાભળવા મળ્યો હતો.
જયારે સિદ્ધપુરમાં આવેલ રસુલ તળાવમાં પાણી ભરાવાથી આસપાસના રહેવાસીઓને પણ હાલાકી ભોગવવી પડી હતી નિચાણ વાળા ઘરોમાં રહેલ સરસામાનને પણ નુકસાન થયું હતું. સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં મોડી રાત્રે પવન સાથે ધોધમાર વરસાદ પડતા સિદ્ધપુરના કાકોશી,કાલેડા,ધનાવાડા, પચક વાડા, દશાવાડા, કલ્યાણા અને કુંવારા ગામોમાં ભારે તારાજી સજૉવા પામી હતી.
કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિધ્ધપુર શહેર તેમજ તાલુકાના વરસાદગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.અને તેઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ કપરા સમયે દરેક સંભવ મદદ પૂરી પાડવા માટે કટિબદ્ધ હોવાનું જણાવી તેમણે ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓ સાથે સીધો સંવાદ કરી તેમની મુશ્કેલીઓ સાંભળી હતી અને તાત્કાલિક રાહત તથા પુનર્વસન માટેના પગલાં લેવા ઉપસ્થિત અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી.


