સો મીલ સંચાલકો અને વન વિભાગના અમૂક અધિકારીઓની મિલીભગત
બનાસકાંઠા જિલ્લા સહિત ડીસા પંથકમાં લીલા વૃક્ષોની આડેધડ કતલ થઈ રહી છે. વૃક્ષ થકી મફતમાં મળતા ઓક્સિજનની કોઈને કિંમત નથી.આ વર્ષે પડેલ કાળઝાળ ગરમીએ પણ વૃક્ષનું મહત્વ સમજાવ્યું છે. જો કે આવા કિંમતી અને ઉપજાઉં એવા લીલાછમ વૃક્ષની હરિયાળીને દેશી વીરપ્પનો આડેધડ વૃક્ષછેદન કરી આ વિસ્તારને ઉજજડ રણમાં ફેરવી રહ્યા છે. જિલ્લામાં એક સમયે આંગળીના વેઢે ગણી શકાય તેટલી સો મિલો હતી. આજે કાયદેસર અને બિનકાયદેસર રીતે ૨૦૦ થી વધુ સો મિલો સમગ્ર જીલ્લામાં ધમધમી રહી છે.
તેમજ આ સો મિલોના મોટા ભાગના માલીકો કચ્છ અને કાઠિવાવાડથી આવી અહીં વસ્યા છે અને આવતાની સાથે જ લીલાછમ વિસ્તારને વેરાન કરી કરોડો કમાયા છે. તેમાં પણ ડીસાની વાત કરીએ તો ડીસા-પાટણ હાઇવે નજીક આવેલા અંબીકા વે બ્રિજ નજીક વહેલી સવારે અંધકારમાં દેશી વિરપ્પનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમના જ મળતીયાઓ દ્વારા કાપી લવાયેલા કિંમતિ વૃક્ષ પાણીના મૂલે હરાજીમાં વેચાય છે. અને ગણતરીના કલાકોમાં સો મિલોમાં આ વૃક્ષ વેતરાઈ જાય છે. પરંતુ આ દેશી વીરપ્પનોના હપ્તાના દબાણ હેઠળ દબાયેલા અધિકારીઓ આજ દિન સુધી આ બાબતે કોઈ જ કાર્યવાહી કરતા નથી. તેમની મિલકતોની તપાસ થાય તો અન્ય ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે.હાલમાં તો વૃક્ષોની આડેધડ કતલથી સમગ્ર પંથક ઉજ્જડ રણમાં ફેરવાઈ રહ્યો છે.
પ્રતિબંધિત વૃક્ષોની પણ આડેધડ કતલ…
સરકાર દ્વારા કેટલાક નામશેષ થતા વૃક્ષ કાપવા બાબતે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં ખેર, ખીજડો સહિતના ૧૫ જેટલા વૃક્ષ કાપવા માટે સરકારની મંજૂરી જરૂરી હોવા છતાં પણ આ દેશી વીરપ્પનો કાયદાની પણ પરવા કર્યા વિના આવા વૃક્ષોનો પણ સોથ વાળી દીધો છે. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતર વાડ કાઢી તાર ફેંસીંગ કરવા માટે સબસીડી આપવા ઉપરાંત કિંમતી એવા વૃક્ષ કાપવા બાબતે ગ્રામ્ય તલાટીની મંજુરીની જોગવાઈ કરી છે. જેનો ભરપૂર લાભ આ દેશી વિરપ્પનો ઉઠાવી રહ્યા છે માત્ર એક જ મંજુરી પત્રની આડમાં હજારો વૃક્ષ કાપી સો મિલોમાં ઠાલવવામાં આવી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો મળે છે.
Beta feature


