પ્રાંતિજ તાલુકાના મજરા ગામે બે દિવસ અગાઉ પ્રેમ લગ્ન અને અંગત અદાવતને કારણે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટના બાદ શનિવારે બંને પક્ષોએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે 112 વ્યક્તિઓ સામે નામજોગ ગુનો નોંધ્યો છે અને તેમાંથી 35 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ તમામ આરોપીઓને આજે રાત્રે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ અથડામણમાં ગામના બંને જૂથોના લોકો આવેશમાં આવી ગયા હતા, જેના પરિણામે થયેલા હુમલામાં કુલ 13 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. પ્રાંતિજ પોલીસે બંને પક્ષના કુલ 35 વ્યક્તિઓની અટકાયત કરી છે.
પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મજરાના રાકેશભાઈ ગોપાલભાઈ પટેલની ફરિયાદના આધારે 60 નામજોગ સહિત 110-120ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં 28 આરોપીઓની અટકાયત કરાઈ છે અને નવને ઈજાઓ થઈ છે. જ્યારે મજરાના આંબલીવાસમાં રહેતા નરેન્દ્રસિંહ મંગાજી મકવાણાની ફરિયાદના આધારે 52 નામજોગ સહિત 100ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં સાતની અટકાયત કરાઈ છે અને બેને ઈજા થઈ હતી.

