લોકસાહિત્યકાર સાંઈરામ દવેએ દુહા છંદ અને હાસ્યની રમઝટ બોલાવી; મહેસાણા જિલ્લામાં બહુચરાજી ખાતે ત્રિ દિવસીય ચૈત્રી પૂનમના મેળામાં આજે મેળાના બીજા દિવસે તા. 11/04/2025 ના રોજ માનવ મહેરામણ ઉમટ્યું હતું. આજરોજ જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ચૈત્રી પૂનમના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમનો ધારાસભ્ય સુખાજી ઠાકોરે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો હતો.
આ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભવ્ય લોક ડાયરામાં જાણીતા લોકસાહિત્યકાર સાંઈરામ દવે અને કલાકાર વિશ્વા કંચાલા દ્વારા વિવિધ રચનાઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સાંઈરામ દવે દ્વારા દુહા છંદની રમઝટ બોલાવીને યાત્રાળુઓને ભક્તિમાં મંત્રમૃગ્ધ કરી દીધા હતા. આ ઉપરાંત કલાકાર વિશ્વા કંચાલા દ્વારા ‘ હે મા જગજનની ‘ સ્તુતિ રજૂ કરવામાં આવી હતી તેમજ વિવિધ કલાકારોના કાફલાએ જુદી જુદી સાંસ્કૃતિક રજુઆત કરતા મોડી રાત સુધી માં બહુચરના ભક્તોએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાયરાની મોજ માણી હતી.