મહેસાણા મનપાની શહેરવાસીઓને મોટી ભેંટ ટૂંક સમયમાં જ શરૂ કરશે સીટી બસ સેવા
શહેરને વિવિધ વિસ્તારોને મળશે સીટી બસ સેવાનો લાભ; મહેસાણામાં શહેરમાં ઘણા લાંબા સમયથી સીટી બસ સેવા બંદ કરી દેવામાં આવી હતી જેના લીધે શહેરીજનોને વ્યાપક નુકશાન ભોગવવું પડતું હતું. દિવસ દરમિયાન શહેરના અનેક વિસ્તારો માંથી ખરીદી કરવા આવતા લોકોને મહેસાણામાં સીટી બસ સેવા સદંતર બંદ થઈ જતા મોટાપાયે હાલાકી ભોગવવી પડી રહી હતી. મહેસાણામાં વર્ષોથી ચાલતા સીટી બસ સેવાની વિવાદનો આખરે કાયમી ધોરણે અંત આવ્યો છે. ખાનગી કોન્ટ્રાકટરને શહેરમાં સીટી બસ સેવા કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો જેમા કોન્ટ્રાકટ પર ચાલતી બસ સેવામાં કોઈ સારાવત આવતી ન હોવાથી વારંવાર વિવાદ સર્જાતા હતા.
છેલ્લા કેટલાય મહિનાઓથી મહેસાણા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી સીટી બસ બંદ કરવાની બાબતનું શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું હતું. સીટી બસ સંચાલક અને નગરપાલિકાના આંતરિક વિખવાદના કારણે શહેરીજનો ભોગ બની રહ્યા હતાં. ત્યારે મહેસાણા શહેરમાં સીટી બસ બંદ કરી દેવામાં આવતા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો હતો. મહેસાણા શહેરમાં જ્યારે રાબેતા મુજબ સીટી બસ સેવા ચાલુ હતી ત્યારે શહેરના ખૂણે ખૂણેથી લોકોને આવવા જવામાં સરળતા રહેતી હતી. જેમાં નજીવા ભાડામાં જ આખા શહેરમાં ભ્રમણ કરી શકાતું હતું વળી તેવામાં મહિલા મુસાફરો માટે સીટી બસ સેવામાં ભ્રમણ મફત અને નિઃશુલ્ક હતું જેના લીધે મહિલાઓ આસાનીથી બજારમાં ખરીદી કરવા આવી શકતી હતી પરંતુ જ્યારે સીટી બસ સેવા બંદ જ કરી દેવામાં આવી હતી ત્યારે મહિલાઓ અને વિદ્યાર્થીઓને આવા જવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. શહેરીજનો રીક્ષામાં જવા મજબુર બન્યા હતા જેના લીધે રીક્ષા ચાલકો પણ મનફાવે તેવા ભાડા વસુલ કરી બેફામપણે નિર્દોષ શહેરીરીજનોના ખીસ્સા ખાલી કરતાં જોવા મળી રહ્યા હતાં.
આખરે મહેસાણા શહેરીજનોને આ વર્ષે મહાનગરપાલિકા દ્વારા ઉનાળુ ભેંટ આપવામાં આવી રહી છે જેમાં મહેસાણા વાસીઓને સીએનજી સીટી બસ સેવા આપવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. જે ખૂબ ટૂંક સમયમાં જ શહેરીજનો માટે ખુલ્લી મુકવામાં આવશે. મહેસાણામાં સીટી બસ સેવા ફરી શરૂ થશે તેવા સમાચાર મળતાં જ શહેરીજનોમાં અનેરા આનંદની લાગણી પ્રસરી ગયેલી જોવા મળી રહી છે.