કાળઝાળ ગરમીમાં શહેરી જનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા
પાલનપુરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે પડતા પર પાટુ સમાં વીજ કાપથી પાલનપુરીઓ ગરમીમાં શેકાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. હાલમાં ગરમીનો પારો દિન- પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. ગુજરાતભરમા શરીરને બાળી નાખે તેવી ગરમી પડી રહી છે. પાલનપુર શહેરમાં પણ કાળઝાળ ગરમી વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા પાલનપુર શહેરમાં સવારમાં 6.30 થી બપોરના 2 વાગ્યા સુધીના સમય દરમિયાન વિજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેનાં કારણે પાલનપુર વાસીઓ કાળજાળ ગરમીમાં શેકાયા હતા. ગરમીથી નાના બાળકો, વૃદ્ધ વડીલો તેમજ બિમાર લોકો વધુ હેરાન પરેશાન થઈ ગયા હતા. ભર ઉનાળે મેન્ટેનન્સ ની કામગીરી શરૂ કરતાં જીઈબી વીજ ગ્રાહકો ને પડતી મુશ્કેલીઓની કોઈ ચિંતા ફિકર કરતા નથી અને વધુ ગરમીમાં પણ લાંબા સમય નું વીજ કાપ મૂકીને શહેરીજનોને મહામુસીબતમાં મૂકી દેતું હોવાની રાવ ઉઠી છે. જીઈબીની આવી મનસ્વી કામગીરી પ્રત્યે શહેરીજનોમા ભારે નારાજગી જોવા મળી હતી. હવે પછી પાલનપુર શહેરમાં ઓછા સમયનો વીજ કાપ મૂકવામા આવે તેવી માંગ જાગૃત શહેરીજનોમાં ઉઠવા પામી છે.