પાલનપુર-ડીસા હાઇવે પર આવેલ કુશકલ ગામના પાટિયા પર રસ્તો ક્રોસ કરી રહેલા બાદરપુરાના એક ગૃહસ્થને પાલનપુર તરફથી આવેલી ગાડીએ ટક્કર મારતા તેમને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નિપજ્યું હતું. જે અંગે અકસ્માત સર્જ્યા બાદ ફરાર થઇ જનાર ગાડીના અજાણ્યા ચાલક સામે ગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠા જિલ્લામા અકસ્માતોની વણથંભી વણઝાર વચ્ચે વધુ એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જેમાં પાલનપુર તાલુકાના બાદરપુરા (ખોડલા) ના ગૃહસ્થ નરસિંહભાઇ ઉર્ફે નરસંગભાઇ ફતાભાઇ જુડાળ (ચૌધરી) સામાજિક કામે તેમના ગામ પાસે આવેલ કુશકલ ગામે જઇ રહ્યા હતા. દરમ્યાન કુશકલ ગામના પાટિયા પાસે રસ્તો ઓળંગવા જતા હતા. તે સમયે પાલનપુર તરફથી પુર ઝડપે આવેલી એક ગાડીના ચાલકે ગફલત ભર્યું ડ્રાઈવિંગ કરી આ રાહદારીને ટક્કર મારી હતી. જેમાં તેમને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા.જેને લઇ અકસ્માત સર્જનાર ચાલક ગાડી લઇ ફરાર થઇ ગયો હતો. જોકે ઈજાગ્રસ્તને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જે અંગે મૃતકના ભત્રીજાએ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જી ફરાર થઇ જનાર ગાડી ચાલકને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

