ધીમી કામગીરીથી વાહન ચાલકો ત્રાહીમામ; ડીસા શહેરના મહત્વના એલિવેટેડ બ્રિજ પર રોડ રિફ્રેશિંગની કામગીરી શરૂ થતાં વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરી દેવામાં આવતા ટ્રાફિકનું ભારણ વધી ગયું છે, જેના કારણે લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. વાહનચાલકોનું કહેવું છે કે કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે, જેના કારણે તેઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખાસ કરીને નોકરીયાતો અને અન્ય જરૂરી કામકાજ માટે જતા લોકોને સમયસર પહોંચવામાં મુશ્કેલી આવી રહી છે. તેઓએ માંગ કરી છે કે તંત્ર દ્વારા કામગીરી ઝડપી કરવામાં આવે જેથી તેઓની પરેશાની ઓછી થાય.
વધુમાં, વાહનચાલકોએ ટ્રાફિક નિયંત્રણની પણ માંગ કરી છે. બ્રિજ પર અને તેની આસપાસ ટ્રાફિક પોલીસની વ્યવસ્થા ગોઠવવી જોઈએ, જેથી ટ્રાફિકને યોગ્ય રીતે ડાયવર્ટ કરી શકાય અને જામની સ્થિતિને નિયંત્રિત કરી શકાય.જ્યારે શહેરના લોકોની માંગ છે કે વહીવટી તંત્ર આ બાબતે તાત્કાલિક ધ્યાન આપે અને વાહન ચાલકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં ભરે. કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે તે માટે વિશેષ આયોજન કરવું જરૂરી છે.