હિંમતનગરના સર્કિટ હાઉસ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને સુજલામ શક્તિ દિવસ નિમિત્તે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના અંતર્ગત મહિલાઓને ચેક વિતરણ કરવા માટે હતો. સાબરકાંઠા જિલ્લાના સાંસદ શોભાનાબેન બારૈયા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ શોભાનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘નલ સે જલ’ અભિયાનને સફળ બનાવવાનો શ્રેય ગ્રામીણ માતા-બહેનોને જાય છે. તેમણે ઉમેર્યું કે પાણી સમિતિ દ્વારા ગામના જળ વ્યવસ્થાપનની જવાબદારી ઉપાડીને મહિલાઓએ સાબિત કર્યું છે કે તેઓ ગામના વિકાસના પાયાના પ્રશ્નો ઉકેલવામાં સક્ષમ છે. જળ સંચય એ આવતીકાલની સુરક્ષા છે, અને આ ક્ષેત્રે મહિલાઓનું નેતૃત્વ પ્રશંસનીય છે.
આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ગામોની મહિલા પાણી સમિતિઓને તેમની કામગીરીના પ્રોત્સાહન રૂપે મહાનુભાવોના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાની કુલ 19 ગામોની પાણી સમિતિઓને રૂ. 9,50,000 ના ચેક આપવામાં આવ્યા હતા. દરેક ગામની પાણી સમિતિને રૂ. 50,000નો ચેક મળ્યો હતો. આ પ્રસંગે મહિલા પાણી સમિતિના સભ્યોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. સુજલામ શક્તિ દિવસ અંતર્ગત ‘જળ મહોત્સવ અભિયાન – ગાવ કા ઉત્સવ – દેશ કા મહોત્સવ’ નો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમો (WASMO) ના યુનિટ મેનેજર તૃષાબેન પટેલ, ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર શિરીનબેન વિજાપુરા, WASMO ના કર્મચારીગણ અને વિવિધ ગામોની મહિલા પાણી સમિતિના સભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

