હિંમતનગરમાં આજે લાભ પાંચમના દિવસે રવિવારે સવારે ડૉ. નલિનકાન્ત ગાંધી ટાઉન હોલ પાસે આવેલી એક દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, આગ દુકાનની બહારના ભાગમાં લાગી હતી અને ધીમે ધીમે દુકાનની અંદરના ભાગમાં પ્રસરવા લાગી હતી. આ દુકાન ટાયરની હોવાથી આગ વધુ ફેલાવાનો ભય હતો. જોકે, ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી.આગ બુઝાવવા માટે ફાયર ટીમે જે બોક્સમાં આગ લાગી હતી તેને તોડી નાખ્યું હતું અને સતત પાણીનો છંટકાવ કર્યો હતો. આગના કારણે ભારે ધુમાડો નીકળતા આસપાસની દુકાનોના માલિકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.


