હિંમતનગરમાં ટાવર રોડ પર આવેલ પાલિકાનું જૂનું મકાન તોડી 6.19 કરોડના ખર્ચે બનાવેલ અદ્યતન સુવિધાવાળા નવા સેવા સદનનું 16 ઓક્ટોબરના રોજ પૂર્વ ઉદ્યોગમંત્રી બળવંતસિંહના હસ્તે લોકાર્પણ કરાયું હતું. જોકે આ નવીન સેવા સદનનું કાલે સોમવારથી કાર્યરત થશે.
પાલિકાના નવા સેવા સદનની કામગીરી ત્રણેક વર્ષ ચાલી હતી. આ નવીન બિલ્ડીંગમાં વિવિધ ઓફિસોની સાથે સાથે પ્રમુખ, ચીફ ઓફિસરની ચેમ્બર, બોર્ડ રૂમ, કોન્ફરન્સ હોલ, લિફટ, પાર્કિંગ, ફાયર સેફ્ટીની સુવિધાઓ પણ રાખવામાં આવી છે. નવીન બિલ્ડીંગ સેન્ટ્રલ એસીથી સજ્જ છે. આ ઉપરાંત વરસાદી પાણીના સંગ્રહની પણ વ્યવસ્થા કરાઇ છે. આગળના ભાગે બગીચો પણ બનાવાયો છે. તાજેતરમાં પાલિકાનો અ વર્ગમાં સમાવેશ કરાયો છે. જેના કારણે નાગરિકોની સુવિધાઓમાં વધારો થશે
હિંમતનગરમાં ટાવર રોડ પર બનાવેલ પાલિકાના નવીન ભવનનું વિકાસ સપ્તાહ અંતર્ગત પૂર્વ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે 16-10-2025ને ગુરુવારના રોજ લોકાર્પણ કરાયું હતું. ત્યારબાદ પાલિકા દ્વારા ખેડતસિયા રોડ ઉપર આવેલ અને હાલમાં કાર્યરત નગરપાલિકા ભવનમાંથી સરસામાન ફેરવવાની કામગીરી હાથ ધરાઇ હતી. જૂની પાલિકામાંથી સરસામાન નવીન ભવનમાં ફેરવાયા બાદ આ નવીન ભવન હવે 27 ઓક્ટોબર સોમવારથી નાગરિકો માટે કાર્યરત થઇ જશે.
આજે હિંમતનગર પાલિકાના નવીન ભવનમાં સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વી.ડી.ઝાલા અને પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન સમારોહ પાલિકાના નવીન ભવનમાં યોજ્યા બાદ સોમવારથી નવુ ભવન સંપૂર્ણપણે કાર્યરત થઇ જશે તેમ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.

