નદી વિસ્તારના લોકોને સચેત રહેવા સુચના આપવામાં આવી; પાટણના સરસ્વતી ડેમમાં પાણીની આવક વધતા શનિવારે સવારે 10:30 કલાકે ડેમનો એક દરવાજો 3 ઈંચ ખોલવામાં આવ્યો છે. આ દરવાજા મારફતે 100 ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવ્યું છે. ડેમમાં પાણીની આવક વધવાનું મુખ્ય કારણ ઉપરવાસમાં થયેલો ભારે વરસાદ છે. સાથે જ નર્મદા ડેમમાંથી સુજલામ સુફલામ કેનાલ મારફતે પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. આ બંને કારણોસર સરસ્વતી ડેમમાં પાણીની આવક વધી છે.
પાણી છોડવામાં આવતા સરસ્વતી નદીના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને અને પશુપાલકોને નદીના પટમાં અવર જવર ન કરવા વિનંતી કરવામાં આવી છે. જો નદીના પટમાં પાણીનું સ્તર વધશે તો આસપાસના વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવશે. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે વધુ પગલાં લેવામાં આવશે.

