સાબરકાંઠા જિલ્લા પોલીસે ઉતરાયણ પર્વ પહેલાં મોટી કાર્યવાહી કરતાં વિવિધ વિસ્તારોમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે બેરણા-અગિયોલ ચોકડી પુલ નીચેથી એક પિકઅપ ડાલામાંથી રૂ. 1.20 લાખની કિંમતની ચાઈનીઝ દોરી સાથે તુલસીરામ કલાલને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ અને પિકઅપ ડાલા સહિત કુલ રૂ. 6.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અન્ય કાર્યવાહીમાં, જાદર પોલીસે અરોડા ગામથી દેવુસિંહ પરમાર પાસેથી રૂ. 2,800ની કિંમતની સાત ફિરકી ચાઈનીઝ દોરી જપ્ત કરી છે. ઈડરિયા ગઢ પાસેથી કમલ પરમાર પાસેથી રૂ. 6,000ની કિંમતની 15 ફિરકી ચાઈનીઝ દોરી મળી આવી હતી. વધુમાં, હિંમતનગર બી-ડિવિઝન પોલીસે બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ભૈરાજી ભીલ પાસેથી ચાઈનીઝ તુક્કલ જપ્ત કર્યા છે. પોલીસે તમામ આરોપીઓ સામે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી ઉતરાયણ દરમિયાન થતાં અકસ્માતો અને જાનહાનિ અટકાવવાના ભાગરૂપે કરવામાં આવી છે.