મહેબૂબાએ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં વિશેષ દરજ્જાનો મુદ્દો ઉઠાવવા માટે તેમના 3 ધારાસભ્યોની પ્રશંસા કરી
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાના પ્રથમ સત્ર દરમિયાન બંધારણની કલમ 370 અને 35A નાબૂદ કરવાનો મુદ્દો ઉઠાવવા બદલ પાર્ટીના ત્રણ ધારાસભ્યોની પ્રશંસા કરી. મહેબૂબાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ PDPએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર તેના સત્તાવાર હેન્ડલ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, પાર્ટી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ શ્રીનગરમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે PDP ધારાસભ્યોના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.
પીડીપી પ્રમુખે કહ્યું, આ ચૂંટણીઓ જમ્મુ-કાશ્મીરની ઓળખ અને સન્માનની રક્ષા માટે હતી. અમારા ધારાસભ્યોએ કલમ 370 અને 35Aને એકતરફી હટાવવા પર લોકોની ઊંડી ચિંતાઓ વ્યક્ત કરી છે. અમારા અધિકારો માટેની લડાઈ વિધાનસભા અને જનતા વચ્ચે ચાલુ છે.
પાર્ટીના ત્રણ ધારાસભ્યો વાહીદ પારા, રફીક નાઈક અને મીર મોહમ્મદ ફૈયાઝ ઉપરાંત નઈમ અખ્તર, અબ્દુલ રહેમાન વીરુ, ગુલામ નબી લોન, ખુર્શીદ આલમ, બશારત બુખારી, આસિયા નકાશ અને ઝહૂર મીર જેવા વરિષ્ઠ નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. પીડીપી વિધાયક દળના નેતા પરાએ બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે પાર્ટીના ધારાસભ્યો નેશનલ કોન્ફરન્સ સરકારને ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા વચનોની યાદ અપાવતા રહેશે. કેન્દ્રએ 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર બંધારણની કલમ 370ને રદ કરી દીધી હતી.