પાંચ દાયકા સુધી દર વર્ષે ડેમમાંથી લાખ્ખો લિટર પાણી વેડફાતું રહ્યું
દર વર્ષે ડેમના દરવાજા રિપેર કરવા ખર્ચાતા કરોડો રૂપિયા પણ પાણીમાં જતા હતા
પાંચ દાયકા બાદ ડેમનાં તમામ 11 દરવાજા બદલવાની કામગીરી શરૂ થતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી
ડેમનાં નિર્માણ કાર્યમાં 7 વર્ષ લાગ્યા અને નિર્માણના બીજા 8 વર્ષમાં જ ડેમ તૂટી ગયો હતો
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા ડેમ અવારનવાર ચર્ચાઓમાં રહેતો હોય છે. ક્યારેક વરસાદના અભાવે ડેમ નહીં ભરાતા ધરતીપુત્રોની મુશ્કેલી તો ક્યારેક ડેમના ક્ષતિ ગ્રસ્ત દરવાજાઓના લીધે લાખો લિટર અમૂલ્ય પાણી વેડફાઈ જતું હોવાની ઘટનાઓને લઈ ડેમ વિવાદમાં સપડાય છે. આ બધી જ પરિસ્થિતિઓ દાંતીવાડા ડેમની કડવી વાસ્તવિકતા છે. ડેમમાંથી પાણી વેડફાવાની અનેક ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા દર વખતે દરવાજાઓ રિપેર કરી સબ સલામતનો રાગ આલાપવામાં આવતો હતો પરંતુ 50 કરતાં પણ વધુ વર્ષ જુના ડેમના દરવાજાઓ બદલવામાં આવતા નહોતા. જેને લીધે દર વર્ષે દરવાજાઓ રીપેરીંગ પાછળ લાખોનો ખર્ચ થતો હોવા છતાં પાણી વેડફાવાની સમસ્યા હંમેશા યથાવત જ રહેતી હતી. ત્યારે હાલમાં તંત્રે દાંતીવાડા ડેમના તમામ દરવાજાઓ બદલવાની કામગીરી શરૂ કરતાં ધરતીપુત્રોમાં ખુશહાલી વ્યાપી છે.
સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બળવંતરાય મહેતાએ 1965 માં દાંતીવાડા ડેમનું લોકાર્પણ કર્યું હતું. સિંચાઈ તેમજ પૂર નિયંત્રણના હેતુસર બનાસ નદી પર બનેલ આ ડેમથી ત્રણ તાલુકાના 120 થી વધુ ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. વર્ષ 2015 માં રાજ્ય સરકારે દાંતીવાડા ડેમમાં નર્મદાનું પાણી નાખવા જૂથ પાણી પુરવઠા પ્રોજેક્ટ હેઠળ 110 કરોડ ફાળવતા દાંતીવાડા, પાલનપુર અને પાટણ એમ ત્રણ તાલુકાના 120 ગામોને તેનો લાભ પહોંચ્યો હોવાનો તંત્રનો દાવો છે. બીજી તરફ દાંતીવાડા ડેમ 1973 માં તૂટ્યા બાદથી છેલ્લાં કેટલાંય વર્ષોથી તેના દરવાજા ક્ષતિગ્રસ્ત હાલતમાં છે, જેને લીધે દર વર્ષે ડેમમાંથી હજારો લિટર પાણી વેડફાઈ જાય છે. ત્યારે હવે તંત્રએ બાવન વર્ષ જૂના 11 દરવાજાઓ બદલવાની કામગીરી શરૂ કરતાં સ્થાનિક ખેડૂતો આશા રાખી રહ્યા છે કે હવે દર વર્ષે ડેમમાંથી વહી જતું પાણી અટકશે અને ધરતીપુત્રોને સમયસર સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે ત્યારે હવે જોવાનું એ રહે છે કે નવા દરવાજાઓ નખાયા બાદ પાણી વેડફાવાની સમસ્યાથી કેટલા સમય સુધી રાહત મળી રહે છે?
31 ઓગસ્ટ 1973 ની એ ગોઝારી રાત; 31 ઓગસ્ટ 1973 માં દાંતીવાડા ડેમમાં સતત પાણીની આવકને કારણે પાલનપુરના રણાવાસ ગામ પાસે ડેમનો માટીથી બનેલો કાચો પાળો તૂટી ગયો હતો અને પાણી દાંતીવાડા તાલુકાના વાઘરોલ, ભાખર થઇને ડીસાના લાટી બજારમાં ઘુસી ગયું હતું. દાંતીવાડા ડેમ તૂટતા વાયરલેસ સુવિધા ના હોવાથી અધિકારીઓની સૂઝબુઝને કારણે ઢોલ વગાડીને ડેમ તૂટ્યો હોવાનો મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો. જોકે, ડેમ તૂટવાથી સ્થાનિકોએ ભારે પાયમાલી વેઠી હોવાથી સમગ્ર દાંતીવાડા તાલુકાની પ્રજા એ ગોઝારી ઘટનાને હજુ ભૂલી શકી નથી.
દાંતીવાડા ડેમનો આછેરો ઇતિહાસ; 1958 માં દાંતીવાડા ગામ ખાતે બનાસ નદી પર દાંતીવાડા ડેમનું નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું. જે 1965 માં પૂર્ણ થતાં ડેમનું ઉદ્ઘાટન તત્કાલીન મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. ડેમ બનાવવા પાછળનો હેતુ પૂરને નિયંત્રિત કરવાનો અને ગુજરાતમાં સિંચાઈ યોજનાઓ માટે પાણી પૂરું પાડવાનો હતો. ડેમની ઊંચાઈ 61 મીટર અને લંબાઈ 4832 મીટર છે. દેશભરમાંથી ઘણા મુલાકાતીઓ તેની મનોહર સુંદરતાને કારણે આ ડેમ તરફ આકર્ષાય છે. આ ડેમ ધરોઈ ડેમ અને દાંતીવાડા ડેમ વચ્ચે વિભાજન રેખા છે. પાલનપુરથી દાંતીવાડા ડેમનું અંદાજિત અંતર 23 કિમી છે જે 14 માઇલ જેટલું છે. ઉનાળાના મહિનાઓ દરમિયાન તાપમાન 23 થી 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે. શિયાળા દરમિયાન તમે 10 – 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ કંઈક અપેક્ષા રાખી શકો છો. પ્રવાસીઓ ઓક્ટોબરથી માર્ચ મહિના દરમિયાન શ્રેષ્ઠ હવામાનનો અનુભવ કરવા માટે ડેમની મુલાકાત લેવાનું પસંદ કરી શકે છે. પીક સીઝનનો સમય ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનાનો હોય છે.