પાણીના નિકાલ માટે નવા નાળાનું નિર્માણ થશે; ડીસા શહેરના વોર્ડ નં. ૨ માં આવેલી ગુલબાણીનગર સોસાયટીમાં ચોમાસા દરમિયાન ગટરના ગંદા પાણી ઘરોમાં ઘૂસી જવાની સમસ્યાનો આખરે ઉકેલ આવતો દેખાઈ રહ્યો છે. થોડા વર્ષો પહેલા નગરપાલિકા દ્વારા નાળાની યોગ્ય સફાઈ કર્યા વિના જ તેને ઢાંકી દેવાયું હતું, જેના કારણે ભારે વરસાદમાં ગટર ઓવરફ્લો થઈ હતી અને ગટરનું ગંદુ પાણી સોસાયટીના રહીશોના ઘરોમાં ઘૂસી ગયું હતું. આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ સમસ્યાને લઈને સોસાયટીના રહીશોએ નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી હતી, જેના પગલે આજરોજ નગરપાલિકાના ઉપપ્રમુખ અને વોર્ડ નં. ૨ ના સદસ્ય શૈલેષભાઈ રાયગોરની ઉપસ્થિતિમાં ગટરનું જૂનું નાળું તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ દરમિયાન નાળામાંથી ત્રણ ટ્રેક્ટર ભરીને કચરો કાઢવામાં આવ્યો હતો. હવે, આ નાળું તોડીને વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે નવું નાળું બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય. સ્થાનિકોએ આ કામગીરીને આવકારી છે અને આશા વ્યક્ત કરી છે કે નવા નાળાનું નિર્માણ વહેલી તકે પૂર્ણ થશે.

