પોલીસ નિષ્ક્રિય મામલે ધારાસભ્ય અને ડી.વાય.એસપી ને રજૂઆત કરી ભૂખ હડતાળની ચીમકી આપી; રાધનપુર શહેરમાં વેપારી એસોસિયેશને ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. છેલ્લા ત્રણ માસમાં થયેલી 8 જેટલી ચોરીઓના કિસ્સામાં પોલીસ તંત્રની નિષ્ક્રિયતાને લઈને વેપારીઓએ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને ડી.વાય.એસપી ડી.ડી. ચૌધરીની હાજરીમાં રામવાડી ખાતે મિટિંગ યોજી હતી.
આ મિટિંગમાં વેપારીઓએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું. કે આટલી આટલી ચોરીની ધટના બનવા છતાં કેટલીક ચોરીઓની પોલીસ ફરિયાદો જ લેતી નથી. તો વળી નોંધાયેલી ફરિયાદોમાં પણ કોઈ તટસ્થ તપાસ કરાતી ન હોય જેના કારણે આજદિન સુધી એક પણ ચોર કે ચોર ગેંગ પકડાઈ નથી જેથી વેપારીઓએ સલામતીની ચિંતા વ્યક્ત કરી રાત્રે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માગણી કરી
જો આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો વેપારીઓએ નાયબ કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી આપી જરૂર પડ્યે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સુધી રજૂઆત કરવા જશે તેવો આક્રોશ વ્યકત કર્યો હતો. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે અને ડી.વાય.એસપી ડી.ડી ચૌધરીએ આ રજુઆત બાબતે ખાસ નોંધ લઈ રાધનપુરમાં થયેલી ચોરીઓ પકડી રાધનપુર બજારની અંદર રાત્રી પેટ્રોલિંગ વધારવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી.