બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખપદે કીર્તિસિંહ વાઘેલા રિપીટ કરાયા; બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે ચડોતર ખાતે બનાસ કમલમમાં બેઠક યોજાઇ હતી. જેમાં પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં જિલ્લા ભાજપ પ્રમુખ પદે પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલાને રિપીટ કરાયા હતા.
બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખની વરણી માટે ચડોતર ખાતે આવેલા જિલ્લા ભાજપ કાર્યાલય માં પ્રદેશ ભાજપ મંત્રી જયંતિ ભાઈ કેવડિયા, જગદીશભાઈ પટેલ સહિતના પ્રદેશ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સંકલનની બેઠક યોજાઈ હતી. બાદમાં કાર્યકરો સમક્ષ જિલ્લા ભાજપ પ્રમુખપદે પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલાને રિપીટ કરાયા હતા. રિપીટ થયેલા નવ નિયુક્ત પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ભાજપના કેન્દ્રીય અને પ્રદેશ ભાજપના શીર્ષસ્થ નેતૃત્વ નો આભાર વ્યક્ત કરતા પોતાના માં મુકેલા વિશ્વાસને સાર્થક કરી બતાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. નવ નિયુક્ત પ્રમુખને ફુલહાર કરી ઉપસ્થિત કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા હતા.
જી.પં-તા.પં. ની ચૂંટણી પ્રથમ પડકાર; કોંગ્રેસના ગઢ ગણાતા બનાસકાંઠા જિલ્લામાં આગામી જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતો ની ચૂંટણી ભાજપના નવ નિયુક્ત પ્રમુખ માટે પહેલો પડકાર બનશે. ભાજપમાં આપસી જુથબંધી વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નવનિયુક્ત પ્રમુખ માટે લિટમસ ટેસ્ટ સમી પુરવાર થશે ત્યારે તેઓ ભાજપને જીત અપાવવામાં કેટલાં સફળ રહેશે તે તો આવનારો સમય જ બતાવશે.