એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ કાર ચાલક કોઈ ચેતવણી વિના હાઇવે પર અચાનક બ્રેક મારે છે, તો તેને માર્ગ અકસ્માતના કિસ્સામાં બેદરકારી ગણી શકાય. ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને ન્યાયાધીશ અરવિંદ કુમારની બેન્ચે મંગળવારે જણાવ્યું હતું કે, કોઈ વાહનચાલક હાઇવેની વચ્ચે અચાનક વાહન રોકે છે, ભલે તે વ્યક્તિગત કટોકટીના કારણે હોય, તેને વાજબી ઠેરવી શકાય નહીં કારણ કે તે રસ્તા પર ચાલતા અન્ય લોકો માટે જોખમ ઊભું કરી શકે છે.
બેન્ચ માટે ચુકાદો લખનારા જસ્ટિસ ધુલિયાએ જણાવ્યું હતું કે હાઇવે પર વાહનોની ગતિ વધુ હોય તેવી અપેક્ષા છે અને જો કોઈ વાહનચાલક પોતાનું વાહન રોકવા માંગે છે, તો તેની જવાબદારી છે કે તે રસ્તા પર આવતા અન્ય વાહનોને ચેતવણી આપે અથવા સંકેત આપે.
આ ચુકાદો એન્જિનિયરિંગના વિદ્યાર્થી એસ. મોહમ્મદ હકીમની અરજી પર આવ્યો હતો, જેનો ડાબો પગ 7 જાન્યુઆરી, 2017 ના રોજ કોઈમ્બતુરમાં એક માર્ગ અકસ્માત બાદ કાપી નાખવો પડ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે હકીમની મોટરસાઇકલ અચાનક બંધ પડી ગયેલી કારના પાછળના ભાગ સાથે અથડાઈ. પરિણામે, હકીમ રસ્તા પર પડી ગયો અને પાછળથી આવતી બસે તેને ટક્કર મારી.
કાર ચાલકે દાવો કર્યો હતો કે તેણે અચાનક બ્રેક લગાવી કારણ કે તેની ગર્ભવતી પત્નીને ઉબકા આવી રહી હતી. જોકે, કોર્ટે આ ખુલાસાને ફગાવી દેતા કહ્યું હતું કે, “હાઇવેની વચ્ચે અચાનક કાર રોકવા બદલ કાર ચાલકે આપેલો ખુલાસો કોઈપણ દૃષ્ટિકોણથી માન્ય નથી.” કોર્ટે અપીલકર્તાને બેદરકારી માટે માત્ર 20 ટકા સુધી જવાબદાર ઠેરવ્યા હતા, જ્યારે કાર ચાલક અને બસ ચાલકને અનુક્રમે 50 ટકા અને 30 ટકા સુધી બેદરકારી માટે જવાબદાર ઠેરવ્યા હતા.

